ખેડામાં ૨૧ બળવાખોરો સસ્પેન્ડ!
20, ફેબ્રુઆરી 2021

નડિયાદ : ખેડા જિલ્લામાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં પક્ષી વિરોધી પ્રવૃતિ કરનાર ૨૧ કાર્યકર્તાઓ સામે કડક કાર્યવાહી કરી ભાજપે પાર્ટીમાંથી બરતરફ કરી દીધા છે. ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ ધરાવતાં ઉમેદવારો સામે ઉમેદવારી કરનારાં, કરાવનાર લોકો સામે પક્ષે કાર્યવાહી કરી છે, જેમાં જિલ્લામાંથી ચાર શહેરના ૧૯ કાર્યકરો અને બે તાલુકામાંથી મળી કુલ ૨૧ કાર્યકરો સામે પગલાં લેવામાં આવ્યા છે. આ તમામને પક્ષમાંથી બરતરફ કરાયાં છે.

સૂત્રોનું જણાવવું છે કે, જિલ્લામાં પાંચ નગરપાલિકા અને આઠ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપ પક્ષમાંથી ઊભાં રહેલાં ઉમેદવારો સામે ઉમેદવારી કરનાર અને કરાવનાર સામે પક્ષે કાર્યવાહી કરી છે, જેમાં કપડવંજ શહેરમાંથી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ધવલભાઈ પટેલ, તત્કાલીન નગરપાલિકા પ્રમુખ પંકજભાઈ પટેલ, મંડલ લઘુ મોરચાના પ્રમુખ ફિરદોસભાઈ પટેલ, સક્રિય સભ્ય નયનભાઈ પટેલ, સક્રિય સભ્ય રાજેશભાઈ પંચાલ, સક્રિય સભ્ય મધુબેન પટેલ સામે કાર્યવાહી કરાઈ છે. નડિયાદ શહેરમાંથી સક્રિય સભ્ય નિતેશભાઈ પરમાર, મહેશભાઈ દેસાઈ, વિજયભાઇ રાવ, મુરલીધર આર્તવાણી સામે કાર્યવાહી કરાઈ છે.

ઠાસરા શહેરની વાત કરીએ તો તેમાંથી કુલ સાત કાર્યકરો સામે પક્ષે કાર્યવાહી કરી છે, જેમાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભાવિનકુમાર પટેલ, પૂર્વ નગરપાલિકા સભ્ય ઈન્દિરાબેન પરમાર, શહેર મહામંત્રી મહેશભાઈ સોલંકી, શહેર ઉપપ્રમુખ નરવતભાઈ પરમાર, નગરપાલિકા પૂર્વ સભ્ય રમીલાબેન પટેલ, શહેર મંત્રી વર્ષાબેન પરમાર અને નગરપાલિકા પૂર્વ સભ્ય નરેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે.

કણજરીમાંથી સક્રિય સભ્ય રમેશભાઇ રાજ અને અબ્દુલભાઈ વ્હોરા, માતર તાલુકામાંથી પૂર્વ સંગઠન ઉપપ્રમુખ મંગળભાઈ પરમાર અને નડિયાદ તાલુકામાંથી દિનેશભાઈ ચૌહાણ સામે કાર્યવાહી કરાઈ છે. આ તમામ ૨૧ કાર્યકરોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરાયાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution