હર્ષજિત જાની, દેશના સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં અન્ય રાજયોની સરખામણીમાં ઓછા મરીન સ્ટેશન પોલીસ સ્ટેશન છે. જ્યારે દરિયા કિનારાના પેટ્રોલિંગ માટેની નિયત કરાયેલી બોટની સંખ્યા કરતાં બે બોટ ઓછી છે, તેમાં પણ ૨૫ ટકા જેટલી બોટ સતત મેઈન્ટેનન્સમાં રહેતી હોય છે. સરકાર દ્વારા નિયત કરાયેલા સ્ટાફની સામે ૨૦૦ કર્મીઓની હજુ પણ ઘટ જાેવા મળી રહી છે. જેના કારણે દરિયા કિનારાની સુરક્ષામાં કચાશ રહેતી હોવાની વિગતો સામે આવી છે. દેશમાં સૌથી વધુ લાંબો ૧૬૦૦ કિલોમીટરનો વિશાળ દરિયાકિનારો ગુજરાત પાસે છે. આ ૧૬૦૦ કિલોમીટરના વિશાળ દરિયા કિનારાની સુરક્ષા માટે ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત મરિન સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી)ની રચના કરવામાં આવી છે. જેના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કાંઠાની સુરક્ષાને લઈને ૨૨ મરીન પોલીસ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. આ ૨૨ મરિન પોલીસની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા હાલમાં ૯૦૦ પોલીસ કર્મીઓનો સ્ટાફ તહેનાત કરાયો છે. આ ઉપરાંત દરિયાઈ વિસ્તારના પેટ્રોલિંગ માટે નિયત કરાયેલી ૩૧ બોટની સામે ૨૯ બોટની ફાળવણી કરાયેલી છે. આ બોટોને ચલાવવા માટે સરકાર દ્વારા ૧૧૭ ક્રૂ મેમ્બરની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારાની સુરક્ષા માટે ૨૯ બોટ દ્વારા પોલીસ તંત્રના ૯૦૦ કર્મીઓ ઉપરાંત ૧૧૭ ક્રૂ મેમ્બર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.ગુજરાતનાં દરિયા કિનારાની સુરક્ષા માટે ગુજરાત મરિન સ્ટેટ રિઝર્વ પોલીસ દ્વારા નિયત કરાયેલી ૩૧ બોટની સામે હાલમાં માત્ર ૨૯ બોટ ઉપલબ્ધ છે. આ તમામ ૨૯ બોટ અંદાજિત દસ વર્ષ એટલે કે, એક દાયકા કરતાં જૂની છે. આ તમામ બોટમાંથી સતત આઠથી દસ બોટ મેઈન્ટેન્સ (રિપેરિંગ) માટે રહેતી હોય છે. જેના કારણે રાજ્યના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાના પેટ્રોલિંગ માટે મરિન પોલીસ પાસે ફક્ત ૧૮થી ૧૯ બોટ જ ઉપલબ્ધ હોય છે. જેના કારણે કેટલાક મરિન પોલીસ સ્ટેશન પાસે ત્રણ ત્રણ મહિના સુધી એક પણ બોટ ઉપલબ્ધ રહેતી ન હોવાનું પણ જાણવા મળ્યું છે. દેશના વિવિધ રાજ્યોના દરિયા કિનારાના વિસ્તાર અને તેની સુરક્ષા માટેના સંબધિત રાજ્યઓમાં પોલીસ સ્ટેશનની સંખ્યા તેની માહિતી આ મુજબ છે. જેમાં સૌથી વધુ લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે. પરંતુ દરિયા કિનારાના ક્ષેત્રને જાેતાં સૌથી ઓછા પોલીસ સ્ટેશન ગુજરાતમાં જાેવા મળી રહ્યા છે. જેમાં ગુજરાતમાં ૧૬૦૦ કિલોમીટર દરિયા કિનારા માટે ૨૨ પોલીસ સ્ટેશન, કર્ણાટકમાં ૩૨૦ કિલોમીટર દરિયા કિનારા માટે ૬૨ પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્રમાં ૭૨૦ કિલોમીટર દરિયા કિનારા સામે ૪૪ પોલીસ સ્ટેશન છે. તો તામિલનાડુમાં ૧૦૭૬ કિલોમીટરના દરિયા કિનારા સામે ૪૨ પોલીસ સ્ટેશન, ઓડિસામાં ૪૮૫ કિલોમીટર દરિયા કિનારા સામે ૧૮ પોલીસ સ્ટેશન અને કેરલમાં ૫૮૦ કિલોમીટર દરિયા કિનારા સામે ૧૮ પોલીસ સ્ટેશન કાર્યરત હોવાની વિગતો મળી છે.

મરિન પોલીસ પાસેની તમામ ૨૯ બોટનું રજિસ્ટ્રેશન થયેલું છે ડીઆઈજી નિલેષ જાજડિયા

ગુજરાત મરિન પોલીસ (કોસ્ટલ સિક્યુરિટી)ના ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ (ડીઆઈજી) નિલેષ જાજડિયાએ જણાવ્યુ હતું કે, રાજયના દરિયાકિનારાની સુરક્ષા માટે ૨૨ મરિન પોલીસમાં ૯૦૦થી વધુ પોલીસ કર્મીનો સ્ટાફ કાર્યરત છે. જ્યારે મરિન પોલીસ પાસે ૨૯ બોટ કાર્યરત છે, આ તમામ બોટનું રજિસ્ટ્રેશન કરાવાયેલું છે. મરિન પોલીસની બોટ પૈકીની સરેરાશ ૨૫ ટકા જેટલી બોટ રિપેરિંગ માટે રહેતી હોય છે. ડીઆઈજી નિલેષ જાજડિયાએ વધુમાં જણાવ્યુ હતું કે, મરિન પોલીસ પાસે ૯૦૦ પોલીસ કર્મીઓ ઉપરાંત બોટ ચલાવવા માટે અગાઉ ફક્ત ૬૦ જ ક્રૂ મેમ્બર હતા, જે વધીને હવે ૧૧૭ ક્રૂ મેમ્બર કાર્યરત છે.

મરિન પોલીસની કામગીરી

ગુજરાત મરિન સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી) ખાસ કરીને જ્યારે મરીન પોલીસ દરિયામાં પેટ્રોલિંગમાં વ્યસ્ત હોય એવી કટોકટીની સ્થિતિમાં પોતાની કામગીરી કરી રહી છે. મરિન એસઆરપીને આઠ જૂથમાં વહેંચવામાં આવી છે. જેનું નેતૃત્વ ડીઆઈજી રેન્કના અધિકારી મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર તરીકેનું પદ સંભાળી રહ્યા છે. તેને પોલીસ અધિક્ષક દ્વારા મદદ કરાય છે, જેનું પદ મરિન સેક્ટર કમાન્ડર તરીકે છે અને ત્યારબાદ ડેપ્યુટીઓ મરિન સેક્ટર લીડર તરીકે કાર્યરત છે. તેમની નીચે આઠ પોલીસ ઇન્સ્પેક્ટર છે, દરેક જૂથનું નેતૃત્વ કરે છે. દરેક જૂથમાં પાંચ એકમો છે, જેનું નેતૃત્વ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી કરી રહ્યા છે. તેમની નીચે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ મરિન કમાન્ડો તરીકે કાર્ય કરી રહ્યા છે.

વિવિધ એજન્સીઓ દ્વારા દરિયાઇ વિસ્તારનું પેટ્રોલિંગ કરાય છે

દરિયા કિનારાની સુરક્ષા માટે સરકાર દ્વારા વિવિધ એજન્સીઓના પેટ્રોલિંગ માટેની સીમા નક્કી કરવામાં આવી છે. જેમાં કિનારાથી ૧૦ કિમી સુધીના વિસ્તારમાં મરિન પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. જ્યારે દરિયા કિનારાથી ૧૦ કિમી દૂરથી ૫૦ કિમી સુધીના વિસ્તારમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવે છે. જ્યારે દરિયા કિનારાથી ૫૦ કિમી દૂરથી આંતરરાષ્ટ્રીય જળ સીમા સુધીના પેટ્રોલિંગની કામગીરી ઇન્ડિયન નેવી દ્વારા કરવામાં આવે છે.

દરિયા કિનારો પોલીસ સ્ટેશન

ગુજરાત ૧૬૦૦ કિમી ૨૨

કર્ણાટક ૩૨૦ કિમી ૬૨

મહારાષ્ટ્ર ૭૨૦ કિમી ૪૪

તામિલનાડુ ૧૦૭૬ કિમી ૪૨

ઓડિસા ૪૮૫ કિમી ૧૮

કેરલ ૫૮૦ કિમી ૧૮