વડોદરા, તા. ૨૬

ડેસર પોલીસ મથકમાં બે વર્ષ અગાઉ હત્યાનો પ્રયાસ અને લુંટના ગુનામાં સંડોવાયેલો ઈન્સ્ટાગ્રામ પર ૨૩ હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતો યુવાન તાંત્રિક ભુવાને જિલ્લા પોલીસે ફિલ્મીઢબે પીછો કરીને આણંદ પાસેથી ઝડપી પાડીને ડેસર પોલીસના હવાલે કર્યો હતો.

નાણાંકિય તકરારમાં ગત ૨૭ નવેમ્બર, ૨૦૨૨ના રોજ શિહોરાથી રાણીયા તરફ જઈ રહેલા સંદિપભાઈ રમેશભાઈ જેસડિયાની કારને ચાર શસસ્ત્ર હુમલાખોરોએ રસ્તામાં આંતરી હતી અને કારના કાચ દંડાથી તોડી નાખ્યા બાદ સંદિપભાઈ પર તલવારથી હુમલો કરી તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમનો ૧૦ ગ્રામનો અછોડો તેમજ મોબાઈલ અને રોકડ સહિત ૫૭,૩૦૦ રૂપિયાની લુંટ ચલાવવામાં આવી હતી. આ બનાવની સંદિપભાઈની ફરિયાદના પગલે ડેસર પોલીસે ચાર સામે ગુનો નોંધી તે પૈકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. દરમિયાન આ ગુનામાં ફરાર તાંત્રિકભુવો રવિરાજ રાજુભાઈ રાઠોડ (શુભનગર સોસાયટી, તા.દસક્રોઈ, અમદાવાદ) ફરાર થતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

છેલ્લા ૧૫ માસથી ભુવા રવિરાજે સેશન્સ કોર્ટ અને ત્યારબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી પરંતું તે નામંજુર થતાં પોલીસે તેની ઘનિષ્ટ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ગઈ કાલે મોડી સાંજે રવિરાજ સાવલી તાલુકાના ભમ્મરઘોડા ગામમાં તાંત્રિકવિધિ માટે આવવાનો છે તેવી જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડને માહિતી મળી હતી. આ માહિતીના પગલે પોલીસે રવિરાજને ઝડપી પાડવા માટે સાવલીમાં વોચ ગોઠવી હતી. જાેકે પોલીસ પોતાની ધરપકડ કરવા માટે વોચમાં ઉભી હોવાની જાણ થતાં રવિરાજે સાવલીમાં આવવાનું ટાળીને રસ્તામાંથી અમદાવાદ તરફ કારમાં પરત ભાગ્યો હતો.

રવિરાજને પોલીસના ભણક લાગતા તે ફરાર થતો હોવાની જાણ થતાં પેરોલ ફર્લો સ્કવોર્ડની એક ટીમે તેનો કારમાં પીછો કર્યો હતો અને રવિરાજને ફિલ્મીઢબે હાઈવે પર ચિખોદ્રા હાઈવે પાસેથી આબાદ ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાંત્રિક ભુવો રવિરાજ સોશ્યલ મીડિયામાં ખુબ જ એક્ટિવ છે અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેના ૨૩ હજારથી વધુ ફોલોઅર્સ છે. તેણે સ્મશાનમાં અનેક તાંત્રિક વિધિ કરતા તેમજ માતાજી મૂર્તિ આગળ દારૂની બોટલો સાથે દારૂનો ભોગ આપતા હોવાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કરતા તે વિવાદમાં સપડાયો હતો.

ડેસર પોલીસે રવિરાજનું તબીબી પરિક્ષણ કરાવીને આજે બપોરે ધરપકડ કરી હતી અને તેને આવતીકાલે કોર્ટમાં રજુ કરી તેના રિમાન્ડની માગણી કરાશે.