રાજકોટ રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાયલા નજીક લૂંટની ઘટના બની છે. જેમાં કુરિયર સર્વિસની કારને આંતરી પોલીસની ઓળખ આપી ગાડીમાં દારૂ હોવાનું કહી ચેક કરવાના બહાને ફરિયાદીને બાંધી માર મારી અંદાજિત ૩.૯૦ કરોડ રકમની લૂંટ ચલાવી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. બાદમાં પોલીસ દ્વારા ૧૦ ટીમો બનાવી નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જેમાંની એક ટીમ જ્યાંથી કુરિયર સર્વિસની કાર રવાના થઈ હતી તે રાજકોટની ન્યુઝ એર સર્વિસની ઓફિસે પહોંચી તપાસ કરી છે. અહીં પોલીસે સીસીટીવી ચેક કરતા પાર્સલ ભરેલી કાર ગતરાતે ૯.૪૦ વાગ્યે રવાના થઈ હોવાનું ખુલ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રણછોડનગર શેરી નંબર ૪માં આવેલ ન્યુઝ એર કુરિયર સર્વિસની ઓફિસમાંથી ગઈકાલે રાત્રિના ૯.૪૦ વાગ્યે સામાન ભરી ગાડી અમદાવાદ તરફ મોકલવામાં આવી હતી. જાેકે, ગાડી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક પહોંચતા ૩ જેટલી કાર દ્વારા ન્યુઝ એર કંપનીની કારને આંતરી લૂંટારુઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. બાદમાં પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી ૧૦ જેટલી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, સાયલા નજીક અંદાજિત ૩.૯૦ કરોડની લૂંટની ઘટના બની છે, હાલ ૧૦ જેટલી ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ ૧૦ ટીમનું સુપરવિઝન સુરેન્દ્રનગર એસપી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સુરેન્દ્રનગરની એક ટીમ રાજકોટ કુરિયર ઓફિસ પહોંચી તપાસ હાથ ધરી છે. જેમાં ગાડી પાર્સલ ભરી જતી હોય તે સમયના અને તે પહેલાના સીસીટીવી ફૂટેજ તપાસવા તેમજ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ સહિત તમામની પુછપરછ કરાઇ છે. રાજકોટના રણછોડનગર શેરી નંબર ૪માં આવેલ ન્યુઝ એર સર્વિસ નામની પાર્સલ ઓફિસ ખાતે પોલીસની ટીમ પહોંચી છે અને સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. સાથે જ અલગ અલગ હાઇવે પરના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. હાઇવે પર પણ નાકાબંધી કરવામાં આવી છે. પાર્સલ ઓફિસથી શરૂ કરી હાઇવે સુધી તમામ સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે.