બનાસકાંઠા,તા.૧૮  

બનાસકાંઠા જિલ્લાના રવિ ગામ ખાતે યુવકનો મૃતદેહ નિર્વસ્ત્ર અવસ્થામાં મળી આવ્યો છે. પોલીસ ફરિયાદ પ્રમાણે, ગુરુવારે રાત્રે મૃતક પિન્ટુ ગલચરનું ગાળાગાળી કરીને અપહરણ કરાયું હતું.શુક્રવારે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે છ આરોપી સામે નામજોગ ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરી હત્યાના કારણ અંગે તપાસ હાથ ધરી છે.મૃતકના નાનાભાઈ સંજય ગલચરે નોંધાવેલી ફરિયાદ મુજબ, ‘રવિ મોટી ગામ ખાતે રહેતા છ શખ્સો ગુરુવારે રાત્રે મોટાભાઈ પિન્ટુ ગલચરનું ગાળાગાળી કરીને અપહરણ કરી ગયા હતા. જે બાદ શુક્રવારે સવારે રવિનો ગામના બસસ્ટેન્ડ પાસેથી નિર્વસ્ત્ર અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. તેને ગોંધી રાખીને માર મારવામાં આવ્યો હતો.’પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, પિન્ટુની બોથડ પદાર્થો વડે ફટકારી હત્યા કરવામાં આવી છે. ધાનેરા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાઓ એવા રવિ ગામના જ રહીશ આરોપી ગૌતમભાઇ પુરોહિત, કીર્તિભાઈ પુરોહિત, રામભાઈ કપુરજી પુરોહીત, ચેતનભાઈ પુરોહિત, રામજી બાબુજી પુરોહિત અને હંસરાજભાઇ પુરોહિતને ઝડપી પાડ્યા હતા. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘પિન્ટુને ગુરૂવારે રાતે બોલેરો ગાડીમાં લઇ ગયા હતા. આખી રાત તે પાછો આવ્યો ન હતો.બીજે દિવસે શંકર મહાદેવનાં મંદિરના બાકડા પાસે મૃત હાલતમાં નગ્ન મૃતદેહ મળ્યો હતો. જેથી ૬ લોકો સામે હત્યાની ફરિયાદ દાખલ છે.’આ ઘટના અંગે વિપક્ષ કોંગ્રેસ તથા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ ઉઠાવતા એક ટિ્‌વટ કરી હતી. અમિત ચાવડાએ પણ એક વીડિયો ટિ્‌વટ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પિન્ટુ પિતા તથા ભાઈબહેન સાથે રહેતો હતો. બનાસકાંઠાના એસ.પી. તરુણ કુમાર દુગ્ગલે જણાવ્યું હતું કે, પોલીસે ફરિયાદના આધારે તમામ છ આરોપીઓની ધરપકડ કરી છે.