લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026 |
વડોદરા |
1782
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તેરસા ગામે વીજ વિભાગની ગંભીર બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. જ્યોતિગ્રામ યોજનાના રીપેરીંગ કામ દરમિયાન ત્રણ શ્રમિકોને અચાનક વીજ કરંટ લાગતાં હાહાકાર મચી ગયો હતો. સદનસીબે ત્રણેય શ્રમિકોનો જીવ બચી ગયો છે, પરંતુ તેઓને હાથ અને છાતીના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કૂક્સ એગ્રીકલ્ચર લાઇન ઉપર જ્યોતિગ્રામ લાઇનનું એમબીસીસી કામ ચાલી રહ્યું હતું. કામ શરૂ કરતાં પહેલાં ઠેકેદારે સંબંધિત અધિકારીઓને જાણ કરી હોવા છતાં એગ્રીકલ્ચર લાઇનનો પાવર બંધ કરવામાં આવ્યો નહોતો. પરિણામે, જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચર લાઇનના વાયર એકબીજા સાથે ભેગા થતાં અચાનક કરંટ પ્રસરી ગયો અને કામ કરતા ત્રણેય શ્રમિકો તેની ચપેટમાં આવી ગયા હતા તેવો આરોપ મુકાયો છે.આ બનાવ દરમિયાન પુલ ઉપર કામ કરી રહેલા શ્રમિકોને કરંટ લાગતાં તેઓ નીચે પટકાયા હતા. સદનસીબે નીચે માટી હોવાથી ગંભીર ઇજાઓથી તેઓ બચી ગયા.
સાથે જ કરંટ લાગતાં જ તેમના હાથમાંથી વાયર છૂટી જતા મોટી દુર્ઘટના ટળી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોને જરૂરી સેફટી સાધનો પણ આપવામાં આવ્યા નહોતાં, જેના કારણે જાેખમ વધ્યું હતું.આ ઘટનાએ વીજ વિભાગની કામગીરી અને સલામતી વ્યવસ્થાઓ પર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં આ બાબતે રોષ જાેવા મળી રહ્યો છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે,શુક્રવારે આ બનાવ બન્યો હતો.