વડોદરા, તા.૨૧

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ૨૩ નવેમ્બરે સાંજે વડોદરામાં નવલખી મેદાન ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. આ માટે મેદાનમાં જ ૩ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે સભા મંડપ, સટેજ સહિતની કામગીરી શરૂ કરી દેવાઇ છે.વડાપ્રઘાન હેલીકોપ્ટર દ્વારા સીઘા સભા સ્થળે આવે તેવી શક્યતા છે. ત્યારે આજે હેલીકોપ્ટરને નવલખી ખાતે બનાવેલા હેલીપેડ ખાતે ઉતારીને રીહર્સલ પણ કરવામાં આવ્યુ હતુ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આગામી ૧ ડિસેમ્બર અને ૫ નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાવાનું છે, ત્યારે ભાજપના ઉમેદવારોનો પ્રચાર માટે વડાપ્રધાન મોદી સહિત સ્ટાર પ્રચારકોની ટીમ મેદાનમાં ઉતરી છે. વડોદરા શહેર અને જિલ્લાની ૧૦ બેઠકોના ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે વડાપ્રધાન મોદી ૨૩ નવેમ્બર બુઘવારે બપોર બાદ વડોદરાના નવલખી મેદાનમાં જાહેર સભાને સંબોધિત કરનાર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પર આવે અને ત્યાંથી નવલખી મેદાન ખાતે પહોંચે તો વધુ સમય જાય અને સાથે રોડ પર સુરક્ષા વ્યવસ્થાને લીધે લોકોને પણ અટવાવું પડે. જેથી વડાપ્રઘાન નરેન્દ્ર મોદી માટે નવલખી મેદાનના સભા સ્થળ પર જ ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે.જેથી વડાપ્રઘાન સીધા સભા સ્થળે જ હેલિકોપ્ટરમાં આવશે.

વડાપ્રધાન મોદીની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એસપીજીના અધિકારીઓ પણ નવલખી મેદાનમાં આવી ગયા છે. તેઓ હેલિપેડ અને સભા સ્થળનું નિરિક્ષણ કરી મેદાનમાં હેલિકોપ્ટરના લેન્ડિંગ અને ટેકઓફને લઇને કોઇ અડચણ ઉભી ન થાય તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ જ્યાં પણ ચોક્કસાઇ વર્તવી પડે તે અંગેના સૂચનો આપી રહ્યા છે.વડાપ્રઘાનની સભાને લઇને કોર્પોરેશનના અધિકારીઓ, વીજ કંપનીના કર્મચારીઓ કામગીરીમાં જાતરાયા છે. તો બીજી તરફ ભાજપના સ્થાનિક નેતાઓ પણ મેદાનની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે.સભામાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા પોલીસનો મોટા કાફલો પણ નવલખી મેદાન ખાતે તૈનાત કરવામાં આવ્યો છે.