સેલવાસ-

દાદરા નગર હવેલીના ડોકમરડીમાં અબ્દુલ કલામ કોલેજ નજીક આહીર ફળિયામાં આવેલ ગૌશાળા પાસે પ્રિમોન્સૂન કામગીરી દરમિયાન 3 શ્રમિકોના ગટરમાં પડી જવાથી મોત થતાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનામાં એક કામદારનો પગ સ્લીપ થતાં તે ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. જેને બચાવવા બીજો કામદાર અને સુપરવાઈઝર પણ ગટરમાં ઉતરતા ત્રણેય ગૂંગળાઈને મોતને ભેટ્યાં હતાં.આ ઘટના બાદ સેલવાસ કલેકટર, નગરપાલિકા પ્રમુખ સહિત પોલીસ અને ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી JCB વડે મૃતદેહોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. ઘટનાની જાણ સેલવાસ કલેકટર સંદીપકુમાર સિંઘને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. એ સાથે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, મામલતદાર સહિતના કાફલાએ ઘટનાસ્થળની મુલાકાત લઈ ફાયર અને પોલીસને સૂચના આપી ગટરની આસપાસની જમીન JCB વડે ખોદાવી ત્રણેય કામદારોના મૃતદેહોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે ડોકમરડી વિસ્તારમાં ગટરની સફાઈ દરમિયાન કામદારોના મોતની ઘટના બહાર આવી છે. ગટરમાં પડી ગયેલા કામદારને બચાવવા પડેલા 2 કામદારો સહિત કુલ 3 કામદારોના ગૂંગળાઈ જતાં મોત નિપજતા અરેરાટી મચી ગઇ છે. ગટરની સફાઈનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક કામદારનો પગ સ્લીપ થતાં ગટરના ખુલ્લા ઢાંકણામાંથી ગટરમાં પડી ગયો હતો.