નવસારી-

નેશનલ હાઇવે નંબર 48 પર ગણદેવીના મટવાડ ગામ નજીકથી ગણદેવી પોલીસે બાતમીને આધારે સેલવાસથી સુરતના અમરોલી લઇ જવાતા 57 હજારનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે દારૂ મંગાવનારા સુરતના 3 બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.ગણદેવી પોલીસની ટીમ આજે મંગળવારે પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો જથ્થો ભરી એક કાર સુરત તરફ જઇ રહી છે. મળેલી બાતમીને આધારે પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર ગણદેવી તાલુકાના મટવાડ ગામ નજીક વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા, કારમાંથી 57 હજાર રૂપિયાની કુલ 222 બોટલ્સ મળી આવી હતી. પોલીસે કાર ચાલક અને સુરતના વરાછા સ્થિત કમલ પાર્કમાં રહેતા જયરામ વાલજીભાઇ મકવાણા અને સુરતના ઓલપાડના વેલન્ઝા ગામે રહેતા દિવ્યેશ અશ્વિનભાઇ પટેલની ધરપકડ કરી હતી.આ આરોપીઓની પૂછપરછ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો સુરતના અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જીમી રમેશભાઇ વાઘેલા, અમરોલીના કોસાડના આઝાદ સિંગ અને અમરોલીના તાડવાડી ખાતે રહેતો બુટલેગર કલ્પોએ મંગાવ્યો હતો. જેથી પોલીસે ત્રણેય બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી, ઘટના સ્થળેથી દારૂ સાથે 1.50 લાખ રૂપિયાની કાર, 10 હજાર રૂપિયાના બે મોબાઇલ ફોન્સ મળી કુલ 2.17 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે જ ગણદેવી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.