વડોદરા, તા.૧૬

વડોદરા શહેર-જિલ્લાની વિધાનસભાની ૧૦ બેઠકો ઉપર ઉમેદવારીપત્રો ભરવાના પાંચમા દિવસે કોંગ્રેસના વાઘોડિયા બેઠકના ઉમેદવાર સત્યજિતસિંહ ગાયકવાડ સહિત રર ઉમેદવારોએ ૩૩ ફોર્મ ભર્યાં હતાં. સત્યજિતસિંહ ગાયકવાડે મોટી સંખ્યામાં કાર્યકરો-સમર્થકો સાથે બળદગાડામાં રેલીસ્વરૂપે જઈને ફોર્મ ભર્યું હતું.

વડોદરા શહેર-જિલ્લા વિધાનસભાની ૧૦ બેઠકો ઉપર ઉમેદવારીપત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ત્યારે આજે રાવપુરા સિવાય ૯ વિધાનસભા બેઠક ઉપર વધુ રર ઉમેદવારોએ ૩૩ ઉમેદવારીપત્રો ભર્યાં હતાં. આજે વાઘોડિયા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર સત્યજિતસિંહ ગાયકવાડે સ્થાનિક કોંગ્રેસના કેટલાક કાર્યકરોની નારાજગી વચ્ચે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

કોંગ્રેસના ઉમેદવાર સત્યજિતસિંહ ગાયકવાડે વાઘોડિયા-વડોદરા રોડ પર આવેલી કોંગ્રેસના ચૂંટણી કાર્યાલય ખાતેથી બળદગાડામાં રેલી કાઢી હતી અને બળદગાડામાં સવાર થઈને નીકળેલા કોંગ્રેસના ઉમેદવારે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રેલીમાં આદિવાસી નૃત્યોએ આકર્ષણ જમાવ્યું હતું. વિશાળ રેલીના કારણે માર્ગો ઉપર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આમ, વડોદરા શહેર-જિલ્લાની ૧૦ બેઠકો ઉપર અત્યાર સુધી ૯૭ ફોર્મ ભરાયાં છે. આવતીકાલે પણ ફોર્મ ભરવા ધસારો જાેવા મળશે. ત્યારે કઈ બેઠકો ઉપર કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં તેની સ્પષ્ટતા તા.ર૧મી ને સોમવારના રોજ થશે.