પેટ્રોલ પંપના ધંધામાં સગા ભાઈ સાથે ૩.૩૮ કરોડની ઠગાઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026  |   વડોદરા   |   2277

નંદેસરી જીઆઈડીસીમાં પોતાના સગા મોટાભાઈ સાથે ભાગીદારીમાં પેટ્રોલપંપ ચલાવતાં નાના ભાઈએ તેમના ભાગીદાર એવા તબીબ ભાઈની જાણ બહાર પેટ્રોલપંપ પર ૩.૩૮ કરોડથી વધુની લોન લઈ તેમજ લોનની ભરપાઈ નહી કરી છેતરપિંડી કરતાં નાના ભાઈ વિરુધ્ધ મોટાભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદના આંબાવાડી વિસ્તારની યોગાશ્રમ સોસાયટીમાં રહેતા ડો. દિલીપભાઈ સળુભાઈ દેવડાએ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘હું પરિવાર સાથે રહુ છું અને અમારી પોતાની માલિકીની છોટાઉદેપુર બોડેલી ખાતે દેવ હોસ્પિટલ છે જયાં તબીબ તરીકે ફરજ બજાવું છું. ગત ૨૦૦૭માં અમે અમારા નામ પર પેટ્રોલ પંપ માટે ફોર્મ ભર્યું હતું અને અમે એસસી એસટી જાતિના હોઈ અમારી જાતિની કેટેગરી મુજબ અમને બોડેલીમાં એચપીસીએલ પેટ્રોલ કંપનીનો પેટ્રોલ પંપ ફાળવવામાં આવ્યો હતો. બોડેલીમાં જગ્યા નહી મળતાં પેટ્રોલ કંપનીએ વડોદરાના નંદેસરી જીઆઈડીસીમાં આવેલો તેમનો પંપ જે બંધ હતો તે અમને ફાળવ્યો હતો અને અમે મૈાર્વી પેટ્રોલપંપ ચાલું કર્યો હતો. આ પેટ્રોલપંપનો તમામ વહીવટ મારા નાનાભાઈ સુભાષ દેવડા કરતા હતા અને તેમણે મને પેટ્રોલપંપમાં ભાગીદાર બનાવવાનું કહેતા ગત ૨૦૧૮માં તેમને ૪૯ ટકાના ભાગીદાર બનાવ્યા હતા.

અમને ૫૧ ટકાની ભાગીદારી પેટે દરમહિને એક લાખ આપવાનું નક્કી થતાં સુભાષે અમુક મહિના દરમિયાન અનિયમિત રીતે અમારા બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. ગત ૨૦૨૪માં અમારે બોડેલી ખાતે હોસ્પિટલ બનાવવા માટે પૈસાની જરૂર પડી હતી જે માટે અમે લોન મેળવવાની કાર્યવાહી કરતાં અમને જાણ થઈ હતી કે અમારા પાર્ટનીરશીપમાં ચાલતા પેટ્રોલપંપમાં ઘણી બધી લોનો ચાલું છે. અમે પેટ્રોલપંપના એકાઉન્ટન્ટ જાદવભાઈને પુછતાં તેમણે જાણ કરી હતી કે ગત ૩૦-૦૧-૦૨૦૨૧થી જુલાઈ-૨૦૨૫ના સમયગાળામાં ખાનગી બેંકો અને ફાયનાન્સ કંપનીઓ સહિત ૧૪ સ્થળેથી ૩,૩૮,૯૨,૩૭૧ રૂપિયાની લોન લેવામાં આવી છે. સુભાષે ભાગીદારી પેઢીના નામે બારોબાર લોન લીધા બાદ લોનની ચુકવણી નહી કરી ઠગાઈ કરી હતી. ’ આ ફરિયાદના પગલે પોલીસે સુભાષ દેવડા વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution