લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2026 |
2970
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી પસાર થતા નવનિમિર્ત મુંબઈ-અમદાવાદ ભારતમાલા પ્રોજેક્ટ એક્સપ્રેસ વે પર ગત મોડીરાત્રે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સર્જાઈ હતી. દસ્તાન ગામની સીમમાં ટાયર ફાટવાને કારણે પ્રથમ લેન પર જ ઊભેલા એક ટેમ્પોની પાછળ પૂરઝડપે આવી રહેલી ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ઈકો કારમાં સવાર ખંભાતના વ્હોરા પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. ટેમ્પો ચાલકે વાહન રસ્તાની વચ્ચે ઊભુ રાખવા છતાં કોઈ સિગ્નલ કે ઈન્ડિકેટર ચાલુ ન રાખતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાના ખંભાતના કાદરપુર મહોલ્લામાં રહેતા એડનવાળા પરિવારના સભ્યો મુનિરાની સારવાર માટે ઈકો કાર લઈને મુંબઈ ગયા હતા. મંગળવારે રાત્રે આશરે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં તેઓ મુંબઈથી એક્સપ્રેસ વે પર ખંભાત તરફ પરત ફરી રહ્યાં હતાં. દરમિયાન દસ્તાન ગામની સીમ પાસે રોડ પર ઊભેલો ટેમ્પો મોતના સાધન સમાન સાબિત થયો હતો. મૃતકોમાં ૩૯ વર્ષીય હાફેજા એડનવાળા, ૪૫ વર્ષીય મુર્તુઝા યુસુફ અલી, ૪૮ વર્ષીય મુર્તુઝા જોએબ અને ૪૬ વર્ષીય મુનિરાનો સમાવેશ થાય છે. અકસ્માત સર્જનાર ટેમ્પાનું આગળનું ટાયર ફાટતાં તે ફર્સ્ટ લેન પર જ બ્રેકડાઉન થયો હતો. જોકે, ટેમ્પો ચાલકે સુરક્ષાના નિયમોને નેવે મુકીને ટેમ્પોને સાઈડમાં લેવાને બદલે રસ્તા પર જ છોડી દીધો હતો. રાત્રિના અંધકારમાં ટેમ્પોની પાર્કિંગ લાઈટ કે કોઈ સુરક્ષા ચિહ્ન ન હોવાને કારણે ઈકો કારના ચાલકને ટેમ્પો દેખાયો ન હતો અને જોતજોતામાં હસતો-ખેલતો પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો. પલસાણા પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.