સુરેન્દ્રનગર,તા.૭

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. મંગળવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં ૪ વ્યક્તિના જીવનદીપ બુઝાઈ ગયા છે. આયા ગામના બોર્ડ નજીક વહેલી સવારે ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ૪ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

આ અંગેની મળતી માહિતી અનુસાર મોડાસાથી હોસ્પિટલના કામ અર્થે ખાંટ પરિવાર રાજકોટ જઈ રહ્યા હતા, તે દરમિયાન વહેલી સવારે ડ્રાઇવરને આગળ બંધ પડેલો ટ્રક ન દેખાતા ઇકો કારના ડ્રાઈવરે ધડાકાભેર ટ્રક પાછળ ઇકો કાર અથડાવી હતી. જેમાં ઘટનાસ્થળે ચાર લોકોના મોત નિપજ્યા હતા. મોડાસાથી એક જ પરિવારના ચાર લોકો કારમાં દવાખાને રાજકોટ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન ડોળીયા નજીક ડ્રાઇવર દ્વારા ટ્રકના પાછળના ભાગે કાર ઘુસાડી દેવામાં આવતા હાઈવે પણ મોતની ચિંચિયારીઓથી ગુંજી ઉઠ્‌યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના પતરાં ચીરીને મૃતદેહો બહાર કાઢાયા હતા.

આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાત પણ દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આ પરિવાર મોડાસાનું હોવાનું ખુલવા પામ્યું છે. પરિવારજનોને પણ આ બાબતની જાણ કરી અને સાયલા ખાતે બોલાવી અને તેમને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ મામલે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ મૃતકોની ડેડબોડીને ઇકો કારમાંથી બહાર કાઢવામાં આવી હતી. અને આ બાબતે તમામ મૃતકોની ડેડબોડીને પીએમ માટે સાયલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેમાં અકસ્માતનો ભોગ બનેલો ખાંટ પરિવાર હોવાનું પણ બહાર આવ્યું છે. ત્યારે હજુ સુધી મૃતકો ઓળખ થઈ શકી નથી. આ બાબતે તપાસ કામગીરી સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી જઈ હાથ ધરી છે. બે પુત્ર, પિતા અને ભત્રીજાનું ઘટનાસ્થળે મોતની નિપજતા ચકચાર મચી જવા પામી છે. એક જ પરિવારના ચાર લોકોના મોતથી અરેરાટી વ્યાપી જવા પામી છે.

મોડાસાથી વહેલી સવારે પિતાની દવા લેવા રાજકોટ સિવિલ હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા, તેઓ પિતાની દવા લેવા મોડાસાથી રાજકોટ તરફ સવારે ૫ઃ૦૦ વાગ્યે નિકળ્યા હતા. ત્યારે બે પુત્ર અને ભત્રીજાે પણ કામ અર્થે સાથે હતા. તે દરમિયાન ડોળીયા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજવા પામ્યું છે. ત્યારે આ મામલે ખાંટ પરિવાર શોકમગ્ન બન્યો છે.

છેલ્લા ત્રણ મહિનામાં હાઇવે ઉપર ૧૭ લોકોના મોત નિપજ્યાં

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ અને રાજકોટ હાઇવે ઉપર અકસ્માતોની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. જિલ્લાના હાઇવે ગોઝારા સાબિત થઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર છેલ્લા ત્રણ મહિનામાં ૧૭ લોકોના અકસ્માતના પગલે મોત નિપજવા પામ્યા છે. જેમાં બંધ ટ્રક પાછળ વાહન ઘૂસી ગયું હોય અને મોત નિપજ્યું હોય તેવા ૧૭ લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે.