લખનૌ:ઉત્તર પ્રદેશ હાલમાં ભારે ગરમી અને હીટવેવની ઝપેટમાં છે. આ તરફ ચોંકાવનારા સમાચાર તો એ છે કે, અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૪૪ લોકોના મોત થયા છે. ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ થઈને તેમની સારવાર કરાવી રહ્યા છે. હીટવેવના પ્રકોપને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દિવસ દરમિયાન લોકો ઘરની બહાર નીકળતા નથી. યુપીના ઘણા જિલ્લાઓમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે દિવસ દરમિયાન બજારોમાં શાંતિ છે. રસ્તાઓ પર કોઈ દેખીતી ગતિવિધિ જાેવા મળતી નથી. આ બધાની વચ્ચે હવે બાગપત જિલ્લામાં વેપારીઓએ સવારે ૧૧ થી સાંજના ૫ વાગ્યા સુધી લોકડાઉનની માંગ પણ કરી છે. યુપીના બાગપત જિલ્લામાં અખિલ ભારતીય ઉદ્યોગ વેપાર બોર્ડના અધિકારીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ બાગપતને પત્ર લખ્યો છે. પત્રમાં કાળઝાળ ગરમીને ટાંકીને સવારે ૧૧ થી સાંજના ૫ વાગ્યા સુધી લોકડાઉન લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. વેપારી સંગઠનના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓનું કહેવું છે કે, અમારા તમામ ધંધા પહેલાથી જ ઠપ્પ થઈ ગયા છે. વધતી જતી મોંઘવારી અને ઓનલાઈન શોપિંગ તો હતું જ પરંતુ હવે કાળઝાળ ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી.
વેપારીઓના મત મુજબ લોકો સવારે ૧૦-૧૧ વાગ્યા સુધીમાં જ બજારોમાંથી સામાન ખરીદે છે. આ પછી વેપારીઓને દિવસ અને સાંજ તેમની દુકાનો પર બેસી રહેવાની ફરજ પડી છે. દરમિયાન તેમની દુકાને કોઈ ગ્રાહક સામાન ખરીદવા આવતો નથી. તેમજ આ વધતી ગરમીના કારણે રોજેરોજ નવી બીમારીઓ વધી રહી છે અને લોકો હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે. તેથી જ તેઓએ ર્નિણય લીધો છે કે, સરકાર અથવા જિલ્લા વહીવટીતંત્ર વેપારીઓના હિતમાં તેમની સુરક્ષા માટે આ પગલાં લે અને લોકડાઉન અથવા દિવસનો કરફ્યુ લાદે તે વધુ સારું છે. આ સાથે વેપારીઓ પણ વધતી ગરમીથી બચી શકશે.ઉત્તર પ્રદેશમાં માત્ર બે દિવસ પહેલા જ પ્રયાગરાજ જિલ્લો દેશનો સૌથી ગરમ હતો. અહીં તાપમાન ૪૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. છેલ્લા ૨૪ કલાકમાં ગરમીના કારણે ૪૪ લોકોના મોત થયા છે. સૌથી વધુ મોત કાનપુર જિલ્લામાં થયા છે. અહીં હીટવેવને કારણે ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. કાનપુરને અડીને આવેલો ફતેહપુર જિલ્લો બીજા ક્રમે હતો. અહીં ગરમીના કારણે ૧૨ લોકોના મોત થયા છે