વડોદરા-

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના રૂક્ષ્મણી ચેનાની પ્રસુતિ ગૃહના ત્રીજા માળે આવેલી મધર્સ મિલ્ક બેંકે બે વર્ષ પૂર્ણ કર્યાં છે. તેની કામગીરીનું સરવૈયું માંડીએ તો બે વર્ષમાં 4815 ધાત્રીઓએ આ બેંકમાં 549 લીટર અમૃતથી અદકેરું ધાવણ( દૂધ) જમા કરાવ્યું જે 1578 ભૂલકાઓ માટે જીવનશક્તિનો સ્રોત બન્યું છે. ક્યારેક એવા સંજોગો સર્જાય છે, જ્યારે માતાને પૂરતું ધાવણ આવતું હોય તેમ છતાં નવા જન્મેલા બાળકને માતા સીધેસીધી ધવડાવી શક્તિ ન હોય. માતાની સર્જરી થઈ હોય કે, અન્ય કોમ્પલિકેશનને લીધે માતા આઈસીયુમાં સારવાર હેઠળ હોય અને સ્વસ્થ બાળક વોર્ડમાં હોય, બાળક અધૂરાં માસે, ખૂબ ઓછા વજનનું જન્મ્યું હોય અને તે જાતે ધાવી શકે એવી સ્થિતિમાં ન હોય ત્યારે તાલીમબદ્ધ સ્ટાફ એવી માતાનું ધાવણ બ્રેસ્ટ મિલ્ક પંપના ઉપયોગથી મેળવી, પેશ્ચ્યુરાઇઝ કરી તેના બાળકને આપે છે. 5304 બાળકોને પોતાની જ માતાનું દૂધ અહીં આ રીતે સુલભ બનાવવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારે તેના માટે જરૂરી અનુદાન અને દૂધને જંતુરહિત,શુદ્ધ કરવા માટે પેશ્ચ્યુરાઈઝર ઇકવિપમેંટ, માતાના દૂધના દોહન માટે જરૂરી બ્રેસ્ટ મિલ્ક પંપ,સંગ્રહ અને સાચવણીમાં ઉપયોગી ફ્રીજર, ડીપ ફ્રિજર જેવી પાયાની સાધન સુવિધા આપવાની સાથે સ્ટાફને જરૂરી તાલીમ આપી હતી. અને મમતાની સરવાણી જેવી આ સંસ્થાએ તાજેતરમાં પૂરી થયેલી નવરાત્રિમાં શિશુ સેવાના યશસ્વી બે વર્ષ પૂરાં કર્યા છે. તેની કામગીરીનું સરવૈયું માંડીએ તો વિગત વર્ષમાં 4815 ધાત્રીઓએ આ બેંકમાં 549 લીટર અમૃત થી અદકેરું ધાવણ( દૂધ) જમા કરાવ્યું જે 1578 ભૂલકાઓ માટે જીવનશક્તિનો સ્રોત બની રહ્યું.આ ઉપરાંત ક્યારેક એવા સંજોગો સર્જાય છે જ્યારે માતાને પૂરતું ધાવણ આવતું હોય તેમ છતાં નવા જન્મેલા બાળકને માતા સીધેસીધી ધવડાવી શક્તિ ન હોય.

સયાજી હોસ્પિટલની આ દૂધ સેવા સંસ્થા દેશમાં માતૃ દૂધ બેંકિંગની પ્રણેતા સંસ્થાઓ પૈકીની એક છે.બાળ સારવાર વિભાગના વડા અને સ્થાપના વખતથી જ આ સંસ્થા સાથે જોડાયેલા છે એવા,બાળ સારવાર વિભાગના વડા ડો.શીલા ઐયર જણાવે છે કે,અમારી સંસ્થા માત્ર માતૃ દૂધ બેંક નથી,ધાવણ વ્યવસ્થાપન સંસ્થા છે. અમે પ્રથમ વખતની માતાને બાળકને કેવી રીતે તેડવું,કેવી રીતે ધાવણ આપવું એની તાલીમ આપીએ છે. દરેક બાળકને એની માતાનું જ દૂધ મળી રહે એ અમારી પ્રથમ કોશિશ હોય છે.તે માટે અમે ધાવણ સરળ બનાવવા માતાઓને મદદ કરીએ છે. માતા સ્વસ્થ હોય,સારું ધાવણ આવતું હોય પણ બાળક આઇ.સી. યુ.માં હોય તો તેની પોતાની જ માતાનું દૂધ મેળવી તેને પહોંચાડવાની વ્યવસ્થા કરીએ છે.એટલે અમારી સંસ્થા માત્ર માતૃ દૂધ બેંક નથી પણ તેના થી ખૂબ વ્યાપક,સર્વગ્રાહી ધાવણ વ્યવસ્થાપન કેન્દ્ર છે.

કુદરતની કરામત અકળ છે.ક્યારેક કોઈ માતાને ધાવણ ખૂબ ઓછું,પોતાના બાળકની ભૂખ પણ ન સંતોષી શકે એટલું ઓછું આવતું હોય છે.તો ઘણી માતાઓને પોતાનું બાળક ધરાઈ જાય તો પણ વધે એટલું વિપુલ ધાવણ આવતું હોય છે.ત્યારે મમતા જેવા દૂધની સરવાણી વહેતી હોય એવી માતાઓ પોતાના બાળકને પૂરતું ધાવણ આપ્યાં પછી વધારાના ધાવણનું જે બાળકો કોઈપણ કારણસર માતાના દૂધથી વંચિત છે,તેમના માટે દાન કરી શકે છે એટલે કે આ બેંકમાં જમા કરાવી શકે છે.યાદ રહે કે રકતદાનની જેમ જ દૂધની દાતા માતાના શરીરને તેનાથી કોઈ જ નુકશાન થતું નથી. માતાના દૂધનું દાન રક્તદાન જેટલું જ અમુલ્ય છે. કોઈ નવજાત કે થોડું મોટું બાળક ત્યજાયેલી હાલતમાં મળી આવે ત્યારે તેને એકાદ બે સપ્તાહ સુધી સયાજી હોસ્પિટલમાં રાખવામાં આવે છે.તે દરમિયાન આવા નમાયા શિશુઓને આ બેંકમાં જમા થયેલું માતૃ દૂધ આપવામાં આવે છે જેના લીધે તેમના વિકાસને વેગ મળે છે. જે બાળકની માતા પ્રસૂતિમાં અવસાન પામી હોય તેવા નમાયા શિશુઓ માટે પણ સંસ્થા માતાનું દૂધ પૂરું પાડે છે.