લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026 |
સુરત |
2079
દેશનાં ૧૮ રાજ્યોનાં ૫૩ નાગરિકો સાથે ૪૭.૪૪ કરોડનું સાયબર ફ્રોડ કરનારા માફિયાઓ માટે બેંક એકાઉન્ટ મેનેજ કરતાં ડિંડોલીનાં યુવકને પકડી પોલીસે ૧૯.૮૭ લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ રેકેટનાં ઓપરેટર ઋષિકેશ શિંદે અને હરિશ ચૌધરીએ સાયબર ફ્રોડના નાણાં એટીએમથી વિડ્રો કરવા માટે ભાવેશ જેવા ૮ થી ૧૦ છોકરાઓ રાખ્યા હતાં. એ છોકરાઓની ઓળખ ન થાય એમ માટે તેઓને નાણાં ઉપાડવા માટે અડાજણ, પાલ, સિટીલાઇટ, અલથાણ અને ભટાર વિસ્તારનાં એટીએમનો ઉપયોગ કરવા કહેવાતું હતું.
ગરીબ ગરજાઉ લોકોને કમિશનની લાલચમાં સપડાવી તેમના નામે ખોલાવાયેલા બેંક એકાઉન્ટ
થકી સાયબર ફ્રોડ કરનાર આંતરરાષ્ટ્રીય ગેંગનો સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. દુબઇ
બેસી નેટવર્ક ઓપરેટ કરનારા સાયબર માફિયાઓ માટે બેંક એકાઉન્ટ મેનેજ અને ઓપરેટ કરતાં
ઋષિકેશ શિંદે અને હરિશ ચૌધરીનાં પન્ટર ભાવેશ શિંદેને પોલીસે દબોચી લીધો હતો. ત્રણ દિવસનાં રિમાન્ડ મેળવી ભાવેશ શિંદેની કરાઇ રહેલી પૂછપરછમાં ઘણી ચોંકાવનારી બાબતો બહાર આવી રહી છે.
સાયન્સ ગ્રેજ્યુએટ ભાવેશે પોલીસને જણાવ્યું હતું કે, તે એક મહિનાથી ઋષિકેશ અધિકાર શિંદે તથા હરીશ સુનિલભાઈ ચૌધરી સાથે કામ કરી રહ્યો છે. આ બંનેનાં જણાવ્યા અનુસાર તે અલગ અલગ બેંકનાં એટીએમ દ્રારા સાયબર ફ્રોડના રૂપિયા વિડ્રો કરતો હતો એટલું જ નહીં એ રૂપિયા પરત રૂષિકેશનાં જણાવ્યા અનુસારનાં એકાઉન્ટમાં જમા પણ કરાવી દેવાતાં હતાં. રૂપિયા જમા કરાવતાં અગાઉ એ એકાઉન્ટ એક્ટિવ છે કે કેમ એની ચકાસણી એપ્લિકેશન થકી કરવામાં આવતી હતી.
ઋષિકેશની સૂચના અનુસાર એટીએમમાંથી રૂપિયા વિડ્રો કરવા દરમિયાન ઓળખ છતી ના થાય એ માટે અલગ અલગ યુવકોનો ઉપયોગ કરાતો હતો. રવિવાર સિવાય દરરોજ ત્રણથી સાડા ત્રણ લાખ રૂપિયા ઉપાડી તેમને અપાતાં હતાં. આ કામનાં મહેનતાણા પેટે ભાવેશને રોજનાં એક હજારથી પંદર હજાર રૂપિયા સુધી આપવામાં આવતાં હતાં. એક મહિનામાં તે ૭૫ લાખથી વધુ રકમ એટીએમથી ઉપાડી ઋષિકેશ અને હરિશને આપી ચૂક્યો હોવાની કબૂલાત પણ ભાવેશે કરી હતી.
ભાવેશ શિંદે જેવા આઠ થી દસ યુવકો માત્ર એટીએમમાંથી પૈસા વિડ્રો કરવા માટે રાખવામાં આવ્યા હતાં. આ યુવકોને લિંબાયત કે આસપાસનાં વિસ્તારોનો એટીએમનો ઉપયોગ કરે તો તેમની ઓળખ થઇ જવા ઉપરાંત પકડાઇ જવાની ભીતી રહેતી હતી. જેથી આ યુવકોને લિંબાયતથી દસથી બાર કિલોમીટર દુર એવા અડાજણ, પાલ, સિટીલાઇટ, અલથાણ અને ભટાર વિસ્તારનાં એટીએમનો ઉપયોગ કરવા કહેવાતું હતું.