વડોદરા, તા.૧૨

વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના પ્રવેશ દ્વાર ગોત્રી-સેવાસી રોડ ઉપરના રસ્તા રેષામાં આવતી કાચી-પાકી દુકાનો.ઓટલા સહિતના ૮૦ થી વઘુ દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરીને રસ્તો ખુલ્લો કર્યો હતો.૩૦ મીટરના ટીપી રોડ પર દબાણો દૂર કરવા માટે પહોંચેલી પાલિકાની ટીમ અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થયું હતું. જાેકે,પાલિકા તંત્ર દ્વારા તમામ દબાણો દૂર કર્યા હતા.

પાલિકાની દબાણ શાખાની ટીમ તાલુકા પોલીસના બંદોબસ્ત સાથે વડોદરાના પ્રવેશ દ્વાર સેવાસી-ગોત્રી રોડ ઉપર રસ્તા રેષામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ઘરી હતી.સવારે ૮ જેટલા જે.સી.બી., ડમ્પરો સહિતના કાફલા સાથે સેવાસી ગામ ખાતે પહોંચેલી દબાણ શાખાની ટીમ દ્વારા મુખ્ય રસ્તાની બંને બાજુમાં આવેલી કાચી-પાકી ૨૦ જેટલી દુકાનો તેમજ રસ્તા રેષામાં આવતા મોટા કોમર્શીયલ કોમ્પલેક્સના ઓટલા સહિત વઘારાના કરાયેલા બાંઘકામો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ઘરી હતી.

સેવાસી વાવ પાસે ગ્રામ પંચાયત દ્વારા વર્ષો પૂર્વે ફાળવેલી દુકાનો પણ રસ્તા રેષામાં આવતી હોઈ તેને તોડવાની કામગીરી હાથ ધરાતા દુકાનદારો કામગીરી અટકાવવા માટે ઘર્ષણમાં ઉતર્યા હતા. દુકાનદારોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા રસ્તાની એક બાજુનાજ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જાેકે,રોડની માપણી સાથે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.તેમ પાલિકા તંત્રએ કહ્યુ હતુ. સેવાસી રોડ ઉપરના ૩૦ મીટરમાં આવતા રસ્તાની બંને બાજુ દબાણો આવતા હશે તે દબાણો દૂર કરાયા હતા.

એક દુકાનદાર મહિલાએ વર્ષો જુની પોતાની દુકાન ઉપર જે.સી.બી. ફેરવવાનું શરૂ થતાં ભારે હોબાળો મચાવ્યો હતો. મહિલાએ કામગીરી અટકાવવા માટે પ્રયાસ કરતા મહિલા પોલીસ કાફલો મહિલાને બાજુ ઉપર લઇ જઇ સમજાવી મામલો થાળે પાડ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા ગોત્રી કેનાલ થી સોનારકુઈ સુઘીના ૮૦ જેટલા દબાણો દૂર કર્યા હતા.પાલિકા દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત અહી સ્માર્ટ રોડ બનાવવામાં આવનાર હોંવાનુ જાણવા મળે છે.