છોટાઉદેપુર-

આદિવાસી વિસ્તારમાં મહિલાઓ પર અત્યાચાર અને તાલિબાની સજા આપતા વીડિયો અવાર-નવાર વાઇરલ થઇ રહ્યા છે. છોટાઉદેપુર જીલ્લાના ચીલીયાવાટ ગામનો આવો જ એક વીડિયો વાઇરલ થયો છે. આ ગામના યુવક યુવતીને પ્રેમ સંબંધ હતો, પરંતુ, પરિવારોને આ સંબંધ મંજૂર નહોતો. જેને લઈને બન્ને પરિવારોએ ભેગા થઈને યુવક-યુવતીને સરગવાના ઝાડ સાથે દોરડા વડે બાંધીને તાડના લાકડાથી બેરહેમીથી માર માર્યો હતો.

યુવક-યુવતીને મારતી વખતે ક્રુરતાની હદ વટાવી દીધી હતી. એક સમયે યુવતી મારથી થાકીને નીચે પડી ગઈ હતી, તેમ છતાં ક્રૂર લોકો તેને ફરીથી ઉભી કરીને બાંધી દીધી હતી. વીડિયો વાઇરલ થતાં જ છોટાઉદેપુર જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને આવું કૃત્ય કરવાવાળા ૯ લોકો સામે ગુનો દાખલ કરીને તમામની ધરપકડ કરી હતી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આદિવાસીઓની અંદર આજે પણ એવી પ્રથા ચાલે છે કે, મા બાપની મરજી વિરુદ્ધ જાે કોઈ યુવતી જતી રહે તો પંચ બેસી તેનો નિકાલ કરે છે. બન્ને પક્ષ તરફથી પંચ આવી દંડકીય રકમ નક્કી કરે છે, એ યુવાને આપવી પડતી હોય છે. જાે આમાં સમજૂતી ન થાય તો ભારે ઘર્ષણ પણ થતાં હોય છે. આ પ્રથા કોઈ રોકી શકતું નથી. અગાઉ ભાગી ગયેલ યુવક યુવતીઓને સજા થયેલી છે.પ્રેમી પાસે જતી રહેલી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની એક યુવતીને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવતાં ખભળાટ મચી ગયો હતો. પતિને યુવતીના ખભે બેસાડ્યા બાદ ગામમાં વરઘોડો કાઢવા સાથે પતિ અને દિયર દ્વારા જ તેને ગામલોકો વચ્ચે જ ર્નિવસ્ત્ર પણ કરી દેવાઇ હતી. આ બનાવનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે આ અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરતાં આ વીડિયો ખજૂરી ગામનો હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે પરિણીતાએ તેના પતિ તથા ૧૯ ઈસમના ટોળા વિરુદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.