તમિલનાડુમાં ૯ પોલીસકર્મીને સજા-એ-મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026  |   2772

તમિલનાડુની મદુરાઈ કોર્ટે સથાનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં ૯ પોલીસકર્મીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. કોર્ટે તેને ‘રેરેસ્ટ ઓફ રેર’ (અતિ દુર્લભ) ગણાવતા અત્યંત ક્રૂરતા અને સત્તાના દુરુપયોગનો મામલો ગણાવ્યો હતો. આ મામલો ૨૦૨૦માં પિતા-પુત્રના કસ્ટડીમાં થયેલા મૃત્યુ સાથે સંબંધિત છે. છ વર્ષ ચાલેલી સુનાવણી બાદ ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જી. મુથુકુમારને તમામ આરોપીઓને હત્યા અને અન્ય કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે સીબીઆઈની દલીલ સ્વીકારી કે કસ્ટડીમાં આપવામાં આવેલી યાતના સુનિયોજિત હતી. આખી રાત ટોર્ચર કરવામાં આવ્યું, તેથી મહત્તમ સજા આપવામાં આવી હતી.

વાસ્તવમાં, આ મામલો ૧૯ જૂન ૨૦૨૦નો છે. પોલીસે વેપારી પી. જયરાજ (૫૯) અને તેમના પુત્ર જે. બેનિક્સ (૩૧)ને લોકડાઉન દરમિયાન દુકાન ખુલ્લી રાખવાના આરોપમાં કસ્ટડીમાં લીધા હતા. બંનેને સથાનકુલમ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને પછી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, જ્યાં થોડા જ દિવસોમાં તેમનું મૃત્યુ થયું હતું.પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ સ્ટેશનમાં આખી રાત બંને સાથે મારપીટ કરવામાં આવી હતી. તેમના શરીર પર ગંભીર ઈજાના નિશાન અને લોહી વહેવાના સંકેતો મળ્યા હતા. મદ્રાસ હાઈકોર્ટના નિર્દેશ પર તપાસ રાજ્યની સીબી-સીઆઇડી પાસેથી લઈને સીબીઆઈને સોંપવામાં આવી હતી. એજન્સીએ એક ઇન્સ્પેક્ટર, બે સબ-ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસકર્મીઓ સહિત ૧૦ આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન એક મહિલા કોન્સ્ટેબલે નિવેદન આપ્યું કે પિતા-પુત્રને આખી રાત માર મારવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં ટેબલ અને લાકડીઓ પર લોહીના નિશાન હતા. આ જુબાની કેસમાં મહત્વપૂર્ણ પુરાવો બની ગઈ હતી.તપાસમાં એ પણ સામે આવ્યું કે સથાનકુલમ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવામાં આવ્યા ન હતા. રેકોર્ડિંગ દરરોજ આપમેળે ડિલીટ થઈ જતું હતું, જેના કારણે મહત્વપૂર્ણ પુરાવા મળી

શક્યા નહીં.

આખી ઘટના શું હતી?

• ૧૯ જૂન, ૨૦૨૦: લોકડાઉન દરમિયાન નિર્ધારિત સમય કરતા વધુ સમય દુકાન ખુલ્લી રાખવાના આરોપમાં જયરાજ અને બેનિક્સની અટકાયત કરાઈ.

• પોલીસ સ્ટેશનમાં અત્યાચાર: રાત્રિ દરમિયાન પોલીસ સ્ટેશનમાં બંનેને બેરહેમીથી માર મારવામાં આવ્યો.

• ક્રૂરતાની પરાકાષ્ઠા: પિતા અને પુત્રને બદલાની ભાવનાથી નગ્ન કરી બેરહેમીથી પીટવામાં આવ્યા હતા.

• મોત: ૨૨ જૂને પુત્ર બેનિક્સ અને ૨૩ જૂને પિતા જયરાજનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું.

દોષિત પોલીસકર્મીઓ

ઈન્સ્પેક્ટર એસ. શ્રીધર, સબ-ઈન્સ્પેક્ટર કે. બાલકૃષ્ણન અને પી. રઘુ ગણેશ, હેડ કોન્સ્ટેબલ એસ. મુરુગન અને એ. સમદુરાઈ, તેમજ કોન્સ્ટેબલ એમ. મુથુરાજા, એસ. ચેલાદુરાઈ, એક્સ થોમસ ફ્રાન્સિસ અને એસ. વેલમુથુ. (૧૦મો દોષિત પાલદુરાઈ ૨૦૨૦માં કોવિડથી મૃત્યુ પામ્યો હતો)

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution