લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026 |
સુરત |
1683
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત રિજિયને આદરેલા પ્રયાસોને પગલે સુરતનાં હીરા ઉદ્યોગપતિઓને આજે તા.૬ એપ્રિલથી શરૂ કરીને આગામી તા.૧૦મી મે ૨૦૨૬ સુધીનાં ૩૫ દિવસ દરમિયાન સુરત ડાયમંડ બુર્સ ખાતે રૂ.૧ હજાર કરોડની જંગી માર્કેટ વેલ્યુ ધરાવતા લાખો કેરેટનાં નેચરલ રફ ડાયમંડનો જથ્થો ઘર આંગણે જાેવા, ચકાસવા મળશે અને સ્થાનિક ઉદ્યોગપતિઓ પોતાની પસંદના હીરાના પાર્સલોની બોલી લગાવીને તેની ખરીદી પણ ઘરે બેઠા કરી શકશે. જીજેઇપીસી ગુજરાત રિજિયને આજે સુરત ડાયમંડ બુર્સમાં ઇન્ડિયા રફ ડાયમંડ શોનો આરંભ કર્યો હતો.
સુરત કે જ્યાં હીરાની એક પણ ખાણ નથી આમ છતાં વિશ્વનાં દર ૧૦માંથી ૯ કાચા હીરા કટ એન્ડ પોલિશ થાય છે,
એ સુરતનાં હીરા ઉદ્યોગમાં પહેલી વખત રફ ડાયમંડની સૌથી મોટી ઇન્વેન્ટરીનું એક્ઝિબિશન કમ સેલ યોજવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગતો આપતા જીજેઇપીસીનાં ગુજરાત ચેરમેન જયંતિ સાવલિયા, દિનેશ નાવડીયા, હિતેશ શાહ, રજત વાણી સહિતનાં આગેવાનોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જીજેઇપીસીને ૩૫ દિવસની પરવાનગી આપી છે તેઓ વિદેશી કંપનીઓને સુરતમાં સુરત ડાયમંડ બુર્સ ખાતે તેડાવીને તેમની પાસે ઉપલબ્ધ રફ ડાયમંડ્સના જથ્થાનું વેચાણ કરવા અર્થે પ્રદર્શન, વ્યુઇંગ કરી શકશે. હીરાનો જથ્થો લઇને આવનાર વિદેશી કંપનીઓ પાસેથી ન તો જીએસટી વસૂલ કરાશે કે ન તો કોઇપણ પ્રકારનો ટેક્સ કે ડ્યૂટી વસૂલ કરવામાં આવશે. વિદેશી કંપનીઓ અહીંયા ફક્ત સુરતના ઉદ્યોગકારો, વેપારીઓને પોતાના રફ ડાયમંડનાં પાર્સલો બતાવી શકશે. રફ ડાયમંડનું વ્યૂઇંગ, પ્રદર્શન પૂર્ણ થઇ ગયા બાદ કંપનીઓ પોતાનો જથ્થો પુન: પોતાના હેડક્વાર્ટર દેશમાં પરત લઇ જશે અને ત્યાંથી તેની ઓનલાઇન હરાજી-બિડીંગ કરશે અને જેણે ઉંચી રકમની બોલી લગાડી છે એ ગ્રાહકને તેના સરનામે માલ પહોંચતો કરશે.
આ પ્રકારે સુરતમાં પહેલી વખત રફ ડાયમંડ્સનાં રૂ.૧૦૦૦ કરોડનો જંગી જથ્થો ૩૫ દિવસ દરમિયાન સુરતમાં આવશે. અને સુરત ડાયમંડ બુર્સની પ્રીમાઇસીસમાં તેનું પ્રદર્શન યોજાશે. હાલમાં દુબઇની કંપનીને ૬ દિવસનાં બે સ્લોટ તેમજ ઇઝરાયેલની એક કંપનીને ૬ દિવસનો એક સ્લોટ ફાળવવામાં આવ્યો છે. હજુ ૬ દિવસનો એક સ્લોટ ખાલી રહે છે, આ ખાલી સ્લોટ ફાળવણી માટે અનેક કંપનીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. સુરતમાં લાખો કેરેટ નેચરલ રફ ડાયમંડ્સનું એક્ઝિબિશન માટેની તમામ વ્યવસ્થા જીજેઇપીસી દ્વારા ઉભી કરવામાં આવી છે. કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયે સ્પેશ્યલ નોટીફાઇડ ઝોનને મળતી સુવિધા હંગામી રીતે ૩૫ દિવસ માટે જીજેઇપીસીને કરી આપી છે.