08, જુલાઈ 2024
ડો. મનિષ આચાર્ય |
પ્રાકૃતિક કે જૈવિક કૃષિ એટલે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બીલકુલ ઉપયોગ વગરની ખેતી વિશે આજકાલ ઘણી ચર્ચા ચાલે છે. પરંતુ વાસ્તવમાં આપણે ત્યાં છેક ૧૯૬૫ સુધી આ જ રીતે દેશી પદ્ધતિથી ખેતી થતી હતી. તે સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય સ્તરે ખાદ્ય પેદાશોની તીવ્ર અછત ઊભી થતા આપણે વિપુલ પાક ઉત્પાદન માટે રાસાયણિક ખેતી તરફ વળ્યાં હતાં. આ ખરેખર એક અવિચારી ર્નિણય હતો. મૂળભૂત રીતે ખેતીપ્રધાન અને કૃષિનો હજારો વર્ષનો ઇતિહાસ ધરાવતા દેશમાં એક તબક્કે એવી પરિસ્થિતિ ઊભી થાય કે તે પોતાના નાગરિકોને જરૂર પૂરતું પણ અન્ન ઉત્પાદન ન કરી શકે તે ઘણી દુર્ભાગ્યપૂર્ણ વાત કહેવાય. પરંતુ આવું બનવાનું કારણ એ છે કે ખેતી, જે એક અત્યંત ટેકનીકલ પ્રકારના વ્યવસાય છે તે સંપૂર્ણપણે અભણ લોકોના હાથમાં છે.
માનવ અને ધરતીના સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી આપણે ત્યાં પ્રાકૃતિક કૃષિની ચર્ચા બહુ થાય છે અને તે જરૂરી પણ છે. પ્રજાએ, સામાજિક સંગઠનોના અગ્રેસરોએ, ધર્મગુરુઓએ, રાજકીય નેતાઓએ, શિક્ષકો વિદ્યાર્થીઓ અને સહુ કોઈએ માનવ અને ધરતીના સ્વાસ્થ્યના સંદર્ભમાં પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત તાત્કાલિક સમજી લેવાની જરૂર છે. જાેકે સ્વસ્થ્ય ઉપરાંત પણ બીજા અનેક વર્ષે પ્રાકૃતિક કૃષિ કલ્યાણ ફેલાવી શકે છે. તેમાં સહુથી મોટું જાે કોઈ ક્ષેત્ર હોય તો તે દેશનું અર્થતંત્ર છે.
આ કંઈ રીતે સંભવ છે તે વાત બરાબર સમજી લેવાની જરૂર છે. કદાચ તમે જાણતા જ હશો કે પ્રાકૃતિક ખેતીને ઝીરો બજેટ ખેતી કહેવામાં આવે છે. ઝીરો બજેટ ખેતીનો અર્થ એ છે કે એમાં ખેડૂતે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ માટે જે મોટી રકમનું રોકાણ કરવું પડે છે તે કરવાનો રહેતો નથી. કારણ કે રાસાયણિક ખાતરની બદલે પ્રાકૃતિક ખેતીમાં સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે જે ગૌમૂત્ર અને ગાય કે અન્ય પશુના ગોબરમાંથી બને છે. ખેડૂતો બિયારણ માટે મોટી રકમ રોકે અને પછી ખાતર તેમજ જંતુનાશક દવાઓ માટે અઢળક પૈસા વાપરે અને છેલ્લે બરાબર વરસાદ ન થાય તો બધું એળે જાય છે, પરંતુ પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતે ખાતર કે જંતુનાશક દવાઓ માટે રોકાણ કરવાનું ન હોવાથી કોઈ સંજાેગોમાં જાે વરસાદ ન આવે તો પણ બિયારણની રકમ સીવાય કાંઈ ગુમાવવાનું રહેતું નથી. વાસ્તવમાં ખેડૂતોએ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ માટે બહુ મોટી રકમ ખર્ચવી પડતી હોય છે. આ પ્રકારના ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ થતાં આ માટે ખર્ચાતા કરોડો રૂપિયા બચી જાય છે. આ જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર બનાવતી જંગી ફેક્ટરીઓ વાતાવરણમાં જે પ્રદૂષણ ઓકે છે તે પણ બંધ થાય છે. આમ પ્રદુષણ નિયંત્રણ માટે અને ઇકો સિસ્ટમના બેલેન્સ માટે જે જંગી રકમ સરકારે ખર્ચવી પડે તેમાં ધીરે ધીરે ઘટાડા થતો જાય છે. આ ઉપરાંત આવા રાસાયણિક પદાર્થો બનાવતી ફેક્ટરીઓ વાતાવરણમાં જે કચરો હળવે છે તેના કારણે તેના સંપર્કમાં આવતા કરોડો લોકો સામાન્યથી માંડીને ગંભીર બિમારીઓનો ભોગ બને છે. તેની સારવાર માટે સરકારે અબજાે રૂપિયાનું બજેટ ફાળવવું પડે છે. પરંતુ સેન્દ્રીય ખાતરના ઉપયોગને કારણે આવી ફેક્ટરીઓની જરૂરિયાત ન રહેવાથી તેમાં કામ કરીને કોઈએ બિમાર પડવાનો પ્રશ્ન ઉભો થતો નથી કે અન્ય કોઈ પ્રકારનો પ્રદૂષણ ન થતું હોવાથી અન્ય પ્રજાએ કોઈ બિમારીનો ભોગ બનવું પડતું નથી અને આરોગ્ય માટે સરકારે જે અબજાે રૂપિયા ખર્ચવા પડે છે તે બચી જાય છે. ગાયના ગોબર અને મૂત્રમાંથી ખેડૂત જાતે જ ખાતર વગેરે વસ્તુઓ બનાવી લેતો હોવાથી ફેક્ટરી જેવું કાંઈ રહેતું નથી અને આવી ઝેરી પ્રદૂષણવાળી જગ્યાએ કામ કરી કોઈએ બિમારીઓનો ભોગ બનવાનું પણ રહેતું નથી. આમ એક સ્વસ્થ સમાજનું નિર્માણ સંભવ બને છે. રાસાયણિક ખાતર અપનાવનાર પંજાબ આ દેશનું સૌ પ્રથમ રાજ્ય છે. અત્યાર સુધીમાં ત્યાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો એટલા મોટા પ્રમાણમાં ઉપયોગ થયો છે કે આજે પંજાબમાં બહુ મોટી સંખ્યામાં કિસાનો અને ખેતમજૂરો કેન્સર સહિત અનેક બિમારીઓનો ભોગ બની રહ્યા છે. આ વાત એટલી ગંભીર છે કે અઠવાડિયામાં બે વખત પંજાબથી દિલ્હીની સ્પેશિયલ કેન્સરના દર્દીઓથી ભરચક એક્સપ્રેસ ટ્રેન દોડાવવી પડે છે. કેવળ પંજાબ જ નહી બલ્કે સર્વત્ર વત્તા ઓછા પ્રમાણમાં આ જ બની રહ્યું છે. ખાતરમાં બહુ મોટા રોકાણ પછી પણ જાેઈએ એવો પાક થતો નથી કારણ કે જમીન ધીમે ધીમે ફળદ્રુપતા ગુમાવી રહી છે. આ કેવળ ધરતીને થતું જ નુકસાન નથી, બલ્કે આ રીતે ખેતીને લાયક જમીનો ઘટી રહી છે. ખેતીની જમીન જ્યારે મહત્તમ ફળદ્રુપતા ગુમાવી બેસે ત્યારે તે બંજર બની જાય છે અને તેને ઔદ્યોગિક હેતુઓ માટે કે રહેણાંક માટે વેચી દેવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ આ પલાયનને રોકી શકે છે અને ગામડાનો પોતાનું એક સ્વતંત્ર અર્થતંત્ર ઊભું કરવામાં મદદ કરી શકે છે.