ઝીંઝુવાડા રણમાં તુફાનના ચાલકે ચાર લોકોને અડફેટે લેતાં એક બાળકનું મોત

પાટડી, પાટડી તાલુકાના ઝીંઝુવાડા રણમાં માતેલા સાંઢની માફક પુરઝડપે આવી રહેલી તુફાન ગાડીએ એક પરિવારના ચિરાગને છીનવી લીધો હતો. રણમાં થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં આઠ વર્ષના બાળકનું કરુણ મોત નિપજ્યું હતુ. ઝીંઝુવાડા રણમાં થયેલા અકસ્માતની ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પાટડી ખાતે આવેલા ઝીંઝુવાડાના રણ ખાતે આવેલા ઐતિહાસિક વચ્છરાજદાદાની જગ્યાએ પાટડી તાલુકાના ફતેપુર ગામનો એક પરિવાર દર્શન કરી પરત ફરી રહ્યો હતો. ત્યારે તુફાને બાઈકને અકસ્માત સર્જીને જતી રહી હતી. જેમાં ફતેપુર ગામના સાગરભાઈ જીગરભાઈ, અને શાંતીબેન, તથા ૮ વર્ષનો બાળક ધાર્મિક સાથે હતો. જેઓને તુફાન ગાડીએ જાેરદાર ટક્કર માર્યા બાદ ઘાયલ થયેલા ધાર્મિક, સહિત સાગરભાઈ, જીગરભાઈ અને શાંતીબેનને લોહિલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આશરે આઠ વર્ષના બાળક ધાર્મિકને પગના ભાગે અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ થતા મૃત જાહેર કર્યો હતો. તથા પી.એમ સહીતની કાર્યવાહી પૂર્ણ કરી બાળકનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. તથા શાંતીબેનને સામાન્ય ઈજાઓ હોવાથી પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી. અન્ય બે ઈસમો સાગરભાઈને સાથળના ભાગે અને માથાના ભાગે અને જીગરભાઈને પગ અને આખા શરીર પર ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ત્યારબાદ તેઓના પરિવારજન અર્જુનભાઈ ભોપાભાઈ પાડીવાડીયા દ્વારા સાગરભાઈ અને જીગરભાઈ દ્વારા મોબાઈલમાં પાડેલા તુફાન ગાડીના ફોટાના આધારે ગાડીની ઓળખ કરી અકસ્માત કરી નાસી છુટેલા ચાલક વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તુફાન ગાડી ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ ચલાવી રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution