વડોદરા, તા.૨૬

અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં આજે સાંજે વારસિયા સુરુચિ પાર્ક સોસાયટીના રહીશો પાણી આપો - પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે પાલિકાની કચેરીએ મોરચો લઈને આવ્યા હતા. સભા પૂરી થયા બાદ વિસ્તારના કાઉન્સિલરને ઉગ્ર રજૂઆતો કરી હતી. આક્રોશપૂર્વક રજૂઆત કર્યા બાદ એક રહીશ પાલિકાની સભાગૃહ પાસેની લૉબીમાં એકાએક ઢળી પડતાં તેમને પાલિકાના તબીબે ચૅક કર્યા હતા અને તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. દૂષિત પાણીના પ્રશ્ને રજૂઆત માટે આવેલા શખ્સનું મોત નીપજતાં પાલિકા વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વારસિયાના આરટીઓ પાસે વર્ષોજૂની સુરુચિ પાર્ક સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી દૂષિત પાણીની સમસ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રજૂઆત બાદ ડ્રેનેજની સફાઈ કરી જાય ત્યારે ચોખ્ખું પાણી આવે છે, પરંતુ કેટલાંક દિવસ બાદ ફરી દૂષિત પાણી આવે છે. તાજેતરમાં ગેસ લાઈન નાખી ત્યારે કેટલાકે નવી પાણીની લાઈનો નાખી, પરંતુ સોસાયટીના ૧ થી ૪૨ નંબર સુધીના મકાનોમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત્‌ છે.

વધુમાં જણાવ્યું હતું કે, પાંચ-છ દિવસ પૂર્વે રજૂઆત બાદ ફોલ્ટ શોધવા પાલિકાતંત્રે પાણીની લાઈન કાપીને ફોલ્ટ શોધવા ખાડા ખોદ્‌યા છે, જેથી સોસાયટીમાં સવારે અને સાંજે બે ટાઈમ ટેન્કરોથી પાણી મોકલવામાં આવે છે, પરંતુ દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી.

રોષે ભરાયેલા સુરુચિ પાર્કની મહિલાઓ અને કેટલાંક રહીશો સાંજે પાલિકાની કચેરીએ મોચરો લઈને આવ્યા હતા. જાે કે, આજે સભા હોવાથી તેમને નીચે અટકાવ્યા હતા. સભા પૂરી થતાં જ પ્રથમ માળે પહોંચેલા રહીશોએ તેમના વિસ્તારના કાઉન્સિલરોને ઉગ્ર રજૂઆત કરી હતી. સોસાયટીના રહીશ શંકરભાઈ ખટવાણીએ કાઉન્સિલર હિરુભાઈ તેમજ મહિલા કાઉન્સિલરને આક્રોશપૂર્વક રજૂઆત કરી હતી. સ્થાયી સમિતિના ચેરમેનના વોર્ડમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને ઉગ્ર રજૂઆત કર્યા બાદ પાલિકાના સભાગૃહ પાસેની લૉબીમાં જ શંકરભાઈ એકાએક ઢળી પડતાં દોડધામ મચી ગઈ હતી.

જાે કે, તુરંત પાલિકાના મહિલા તબીબે તેમને ચૅક કર્યા હતા, જ્યારે ઉપસ્થિતો પૈકી કેટલાક સીપીઆર પણ આપ્યું હતું અને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જાે કે, તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તેમની હૃદયરોગની સારવાર ચાલી રહી હતી, દરમિયાન આ ઘટના બની. જાે કે, દૂષિત પાણીના પ્રશ્ને રજૂઆત માટે આવેલા રહીશનું પાલિકાની લૉબીમાં બેભાન થવાથી મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો હતો.

સ્માર્ટ સિટીમાં શુદ્ધ

પાણી ના મળતું હોય તો એનાથી દુઃખદાયી વાત શું હોઈ શકે?

આઝાદીના આટલા વર્ષો પછી પણ વડોદરા જેવા કહેવાતા સ્માર્ટ સિટીની એક સોસાયટીમાં ચોખ્ખુ પાણી ના મળતુ હોય તો એનાથી દુઃખદાયી વાત શી હોઈ શકે ? વડોદરા કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ ભલે, ગમે તેટલી વિકાસની વાતો કરતા હોય પણ સચ્ચાઈ એ છે કે, માત્ર ચોખ્ખુ પાણી મેળવવા માટે વારસીયાના એક રહીશને જીવ ગુમાવવો પડ્યો છે. કોર્પોરેશનમાં મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષની ઓફિસની બહાર બેભાન થઈને ઢળી પડેલા શંકરભાઈ ખટવાણીને મૃત્યુ સમયે પાણી પણ નસીબ ના થાય તેનાથી દુઃખદાયી વાત શી હોઈ શકે ? સુરૂચી પાર્કના રહીશો કહે છે કે, કોર્પોરેશનના શાસકો-અધિકારીઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવુ જાેઈએ.

ચોખ્ખું પાણી તો ના મળ્યું પણ મોત મળી ગયું

વારસિયાના સુરૂચી પાર્કના રહીશો પાણીના મામલે છેલ્લા કેટલાય મહિનાઓથી પરેશાન છે. આજે પાણીની રજૂઆતમાં સોસાયટીના રહીશને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પહેલાના જમનામાં લોકો પાણી માટે પરબ બનાવતા હતા. પણ આજના નિષ્ઠુર શાસકો વડોદરાની જનતાને ચોખ્ખુ પાણી આપી શકતા નથી. અને એની જ લ્હાયમાં આજે એક આધેડનું મોત થયું હતું. આઘાતજનક વાત તો એ છે કે, કોર્પોરેશનના અધિકારીઓ અને શાસકોના પાપે એક વ્યક્તિને એટલી હદે આક્રોશ ઠાલવવો પડ્યો હતો કે, કોર્પોરેશનમાં જ એ બેભાન થઈ ગયો હતો. અને અંતે એનુ મોત થયુ હતુ. આધેડના અપમૃત્યુથી વારસીયા વિસ્તારના રહીશો આઘાતમાં સરી પડ્યા છે. તેઓ સ્થાનીક કાઉન્સિલર સામે ફિટકાર વરસાવી રહ્યા છે.

કોર્પોરેશનના શાસકો સામે ખૂનનો ગુનો દાખલ કરો

સુરૂચી પાર્કમાં નળમાં આવતા ડ્રેનેજના ગંદા પાણીની સમસ્યાના ઉકેલ માટે સોસાયટીના રહીશો સાથે રજૂઆત કરવા ગયેલા શંકરભાઈ ખટવાણીના મોત પાછળ કોર્પોરેશનના અધિકારીઓ અને શાસકોની નિષ્ક્રિયતા કારણભૂત છે. પ્રજાને પરેશાન કરતા આવા તત્વો સામે પગલા લેવાવા જાેઈએ તેવી માંગણી સોસાયટીના રહીશોએ કરી હતી. તેમણે કહ્યું હતું કે, શંકરભાઈ ખટવાણીનું મોત હકીકતમાં હત્યા છે. અને એમની હત્યાના જવાબદાર કોર્પોરેશનના નિષ્ક્રિય શાસકો અને અધિકારીઓ છે. એમની સામે ખૂનનો ગુનો દાખલ થવો જાેઈએ.

પાણી માટે મૃત્યુ પામનારા શંકરભાઈ સ્થાયી અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીના મતદાર હતા

સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીના વોર્ડના કોઈ રહીશને ગંદા પાણીની સમસ્યાના ઉકેલ માટે પોતાનો જીવ ગુમાવવો પડે તેનાથી દુઃખદ વાત શું હોઈ શકે ? ડો. શિતલ મિસ્ત્રી પાસે સુરૂચી પાર્કના રહીશોએ અનેક વખત રજૂઆતો કરી છે. છતાંય એમણે મામલાને ક્યારેય ગંભીરતાથી લીધો હોય તેવુ કદાપી લાગ્યુ નથી. આજે કોર્પોરેશનમાં રજૂઆત કરતી વખતે ઢળી પડેલા શંકરભાઈ ખટવાણી સ્થાયી સમિતિના ચેરમેન ડો.શિતલ મિસ્ત્રીના મતદાર હતા. એમનો ગુનો એટલો જ હતો કે, એમણે અને એમની સોસાયટીના રહીશોએ ડો. મિસ્ત્રીને મત આપીને જીતાડ્યા હતા. એમને આશા હતી કે, ડોક્ટર સાહેબ ચુંટણી જીત્યા પછી એમના કામો કરશે. પણ અફસોસ ડો.શિતલ મિસ્ત્રી ચુંટણી જીત્યા પછી ડોક્ટર નહીં પણ અઠંગ રાજકારણી બની ચુક્યા છે અને એમને એમના જ મતદારોની સમસ્યા ઉકેલવામાં કોઈ રસ નથી.