મુજમહુડા પાસે રસ્તે રખડતું કૂતરું બાઈકની અડફેટે આવતાં પાંચ વર્ષીય બાળક ઈજાગ્રસ્ત
18, નવેમ્બર 2022

વડોદરા, તા.૧૭

વડોદરા શહેરમાં રોજબરોજ ગાય અને કૂતરાઓના ત્રાસને કારણે અવારનવાર બનતા બનાવોનો સિલસિલો યથાવત્‌ રહ્યો છે. ગઈકાલે રાત્રે શાકભાજી લેવા પાંચ વર્ષના પુત્ર સાથે નીકળેાલ બાઈકસવારને રસ્તે રખડતાં કૂતરા સાથે અકસ્માત નડતાં બાઈકની પાછળ બેઠેલ પાંચ વર્ષના બાળકને નાની મોટી શારીરિક ઈજાઓ પહોંચતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. રસ્તે રખડતાં ગાય-કૂતરાઓનો ત્રાસ દૂર કરવા માટે અસંખ્યવાર શહેરીજનોએ પાલિકાતંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, જેનો ભોગ નિર્દોષ શહેરીજનો બની રહ્યા છે, જેના કારણે લોકોમાં છૂપારોષની લાગણી જાેવા મળી રહી છે. ગત રાત્રે બનેલા બનાવમાં શહેરના મુજમહુડા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ માળી ગત સાંજે બાઈક પર તેના પાંચ વર્ષના પુત્ર ધર્મેશને સાથે લઈ નજીક આવેલ શાક માર્કેટમાં શાકભાજી લેવા ગયા હતા. તેઓ પરત આવી રહ્યા હતા તે સમયે રાત્રિના ૯ વાગ્યાની આસપાસ રસ્તે રખડતું એક કૂતરું દોડતું આવી બાઈક સાથે અથડાયું હતું, જેથી બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી અને પાછળ બેઠેલ પાંચ વર્ષીય બાળક રોડ પર પટકાયું હતું. બાળકને નાની મોટી શારીરિક ઈજાઓ પહોંચતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ બનાવની જાણ જે.પી. રોડ પોલીસને કરવામાં આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution