વડોદરા, તા.૨૭

શહેર નજીક આવેલ સોખડા હરિધામની ગાદીનો વિવાદ છેલ્લાં કેટલાંક દિવસથી વધુ વકરી રહ્યો છે. ત્યારે પ્રાદેશિક સમિતિઓ વિખેરી નાખવામાં આવ્યાની વાતો વચ્ચે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામી જૂથના મનાતા હરિભક્તો દ્વારા સંમેલનો યોજીની શક્તિપ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ આનંદ પાર્ટીપ્લોટ ખાતે પ્રબોધસ્વામી જૂથના મનાતા હરિભક્તો દ્વારા આત્મીયસભા યોજી હતી અને આવનાર દિવસોમાં હરિધામ નજીક મહાસંમેલન યોજવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.

પૂ. હરિપ્રસાદ સ્વામીજીએ દેહલીલા સંકેલ્યા બાદ હરિધામની ગાદીનો વિવાદ દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે. દરમિયાન તમામ પ્રાદેશિક સમિતિઓને વિખેરી નાખી બહુમતી મેળવવાના પ્રયાસના ભાગરૂપે પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા તેમના નિકટના મનાતા હરિભક્તોની નિયુક્તિ નવી કમિટીમાં કરાતી હોવાની ચર્ચા હરિભક્તોમાં થઈ રહી છે. તો બીજી તરફ અલગ અલગ સ્થળે સંમેલનો પણ યોજીને શક્તિપ્રદર્શનો પણ શરૂ થયા છે. ત્યારે અમદાવાદ ખાતે પ્રબોધસ્વામીના સમર્થનમાં હરિભક્તો દ્વારા આત્મીયસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરિધામના ઉત્તરાધિકારી પૂ. પ્રબોધજીવન સ્વામી અને પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીને આખા સત્સંગ સમાજ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા, પરંતુ અમુક સત્તાલાલસુ લોકો દ્વારા એકતરફે પ્રચાર કરી પૂ. પ્રેમસ્વામીને ગાદીપતિ ગણવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો અને તેનાથી આખા સત્સંગ સમાજની લાગણી દુભાઈ છે. હરિધામમાં સંતો પર પણ અત્યાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેક્ષ સાથે પ્રાદેશિક સંતોના મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યા છે. ત્યારે તેનો વિરોધ ચાલુ જ રહેશે અને આવનાર સમયમાં હરિધામ નજીક ૫૧૦૦૦ જેટલા યુવક-યુવતીઓનું મહાસંમેલન યોજવાનો નિર્ણય આ સંમેલનમાં લેવાયો હોવાની ચર્ચા હરિભક્તોમાં થઈ રહી છે.