વેરાવળ-
વેરાવળમાં ભાજપના નેતા અને પાલિકાના પૂર્વ ઉપપ્રમુખને ચેક રીટર્નના બે જુદા-જુદા કેસોમાં કોર્ટે એક-એક વર્ષની સાદી કેદની સજા તથા ચાર લાખ રૂપીયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આમ, તકસીરવાન ઠરેલા ભાજપના આગેવાનને બંન્ને કેસની કુલ બે વર્ષની સાદી કેદની સજા તથા ચાર લાખનો દંડ અને ઉછીના લીઘેલ ચાર લાખ પરત આપવાનો હુકમ કરેલ હોવાનું જાણવા મળેલ છે.
આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર વેરાવળ ભાજપના નેતા એવા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ કિશોરભાઇ સામાણીએ મિત્રતા ખાતર સને. ૨૦૧૦ આસપાસ તેમના મિત્ર જનક સોમૈયા પાસેથી હાથ ઉછીના ચાર લાખ રૂપિયા લીઘેલ હતા. જેના બદલામાં કિશોરભાઇએ એચડીએફસીના રૂ.૩ લાખ અને રૂ.૧ લાખની રકમના બે ચેકો જનકભાઇને આપેલ હતા. જે બંન્ને ચેક રીટર્ન થતા જનકભાઇએ વેરાવળની કોર્ટમાં ઘી નેગોશિએબલ ઇન્સ્ટુમન્ટ એકટ મુજબ બે કેસો દાખલ કરેલ હતા. આ કેસ વેરાવળના મહે.જયુડી.(ફ.ક.)ની કોર્ટમાં ચાલી જતા ન્યાયાઘીશ સાહેબ દ્રારા કિશોર સામાણીને બંન્ને ફોજદારી કેસમાં તકસીરવાન ઠેરવી અનુક્રમે એક કેસમાં ત્રણ લાખ રૂપીયાનો દંડ અને એક વર્ષની સજા તથા બીજા કેસમાં એક લાખનો દંડ અને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ હતો.