જૂનાગઢ, જૂનાગઢમાં છાને ખુણે ક્રિકેટ મેચમાં સટ્ટો રમતો હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસ સતર્ક બની હતી. આ દરમિયાન બાતમીના આધારે એલસીબીની ટીમે શહેરના ગીરીરાજ રોડ પર કારમાં બેસી મોબાઈલ ફોન પર આઈડીમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહેલા એક શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસેથી રોકડ, મોબાઈલ અને કાર મળી ૧૦ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સે સટ્ટો રમવા શહેરના મધુરમ વિસ્તારના યુવક પાસેથી આઈડી લીધું હોવાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ક્રિકેટ ટૂર્નામેન્ટ હાલ ચાલી રહ્યો હોવાથી મોટા પાયે તેમાં સટ્ટો રમતો હોવાથી યુવાધન જુગાર રમવાના રવાડે ચડી રહ્યુ છે. આ વ્યસન ઝેરની જેમ પ્રસરી રહ્યુ હોવાથી અનેક યુવાનો અને પરીવારો બરબાદ પણ થઈ રહ્યા છે. ત્યારે સમાજમાં વ્યાપક રીતે પ્રસરી રહેલા આ જુગારની બદીને ડામી દેવા લોકો માંગ કરી રહ્યા છે. જેથી ક્રિકેટની સીઝનના સમયે જૂનાગઢ પોલીસ પણ સતર્ક બની કામગીરી કરી છે. જે અંતર્ગત બાતમીના આધારે જૂનાગઢ એલસીબીની ટીમે શહેરના ગીરીરાજ સોસાયટી પાસે રહેતો વિમલ ઉર્ફે વિક્કી દેવાનંદ હરવાણી (ઉ.વ.૩૦) ગીરીરાજ રોડ ઉપર પોતાની કારમાં બેસી મોબાઈલ ફોનમાં આઈડીમાંથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઝડપી લીધો હતો.

એલસીબી સ્ટાફે આરોપી વિક્કી હરવાણી પાસેથી રોકડા ૭૦ હજાર, મોબાઈલ અને કાર મળી કુલ રૂ.૧૦.૨૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ તેની પૂછપરછ કરતા તેણે આ ક્રિકેટ સટ્ટો રમવાનું આઈડી મધુરમ વિસ્તારના દેવ ગઢવી નામના યુવક પાસેથી લીધા હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એલસીબીએ વિક્કી હરવાણી અને દેવ ગઢવી સામે બી ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.