વડોદરા : વડોદરા શહેર નજીક આવેલ કોયલી ગામે એમજીવીસીએલ કંપનીના કર્મચારીઓના પાપે ગામની ભાગોળે બાવળની ઝાડીમાં તૂટીને પડેલા જીવંત વીજવાયરના સંપર્કમાં આવતાં માતા-પુત્રને કરંટ લાગતાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. આ બનાવને પગલે ગામમાં ઘેરાશોકની લાગણી વ્યાપી જવા સાથે ચકચાર મચી ગઈ હતી. ગ્રામજનોએ વીજ કંપનીના કર્મચારીઓ સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી. આ ઘટનાની જાણ વીજ કંપનીના કર્મચારીઓને અને પોલીસને કરવામાં આવતાં બંને ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

શહેર નજીક આવેલ કોયલી ગામે વીજ સપ્લાય માટે સબ સ્ટેશન આવેલ છે. આ સબ સ્ટેશનના વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોયલી તેમજ તેની આસપાસના નાના-નાના પરા ગામોમાં વીજ સપ્લાય કરવામાં આવે છે. કોયલી ગામના વીજ કંપનીના કર્મચારીઓની લાલિયાવાડી અને નિષ્કાળજીના કારણે વારંવાર લાઈટો જવા અંગે અનેક ફરિયાદો ઊઠી રહી છે. આ મામલે ગામના સરપંચ રણજિતસિંહ જાદવ અને ટીમ ગબ્બરના સભ્ય અર્જુનસિંહ રાઠોડની આગેવાનીમાં અવારનવાર વીજ કંપનીના કર્મચારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ વીજ સપ્લાયની સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા માટે કાર્યવાહી કે કામગીરી કરવામાં આવતી નથી. એટલું જ નહીં, હાલ વરસાદની સીઝનમાં ગામની ભાગોળે આવેલ વીજપોલના જીવંત વાયરો તૂટીને બાવળના ઝાડ ઉપર પડયા હતા. તે વાયરોનું સમારકામ કરવામાં ન આવતાં આજે સવારે કોયલી ગામના વડવાળા ફળિયામાં રહેતા વસાવા પરિવારના ગજરાબેન બચુભાઈ વસાવા (ઉં.વ.૬૦) અને તેમના પુત્ર લાલાભાઈ વસાવા (ઉં.વ. ૪પ)નાઓ ઘરગથ્થુ લાકડાં વીણવા માટે ભાગોળે ગયા હતા, જ્યાં બાવળની ઝાડી ઉપર પડેલા જીવંત વીજવાયરના સંપર્કમાં આવતાં માતા-પુત્રને કરંટ લાગતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ વાતની જાણ ગામમાં વાયુવેગે પ્રસરી જતાં ગામલોકો તેમજ સરપંચ સહિત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બનાવથી ગામમાં ઘેરાશોકની લાગણી સાથે ચકચાર મચી જવા પામી હતી. ગ્રામજનોએ એમજીવીસીએલ કંપનીના કર્મચારીઓ સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી. આ અગાઉ પણ વીજકરંટ લાગવાથી મૂંગા પશુઓના પણ મોત થઈ ચૂકયાં છે, તેમ છતાં વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા તેનો કાયમી ઉકેલ લાવવામાં આવતો ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ અંગેની જાણ પોલીસ તેમજ વીજ કંપનીમાં કરવામાં આવતાં બંને ટીમ ઘટનાસ્થળે પહોંચી જઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, શિનોર તાલુકાના મોટા ફોફળિયામાં સુમિત્રા અશોકભાઈ વસાવા (ઉં.વ.૧૭) ઘરના વાડામાં કપડાં ધોઈને તાર પર સૂકવવા જતાં તેણીને વીજકરંટ લાગતાં મોત નીપજ્યું હતું.