વડોદરા, તા.૭

શહેરની બદનામ સેન્ટ્રલ જેલમાં કુખ્યાત આરોપીના મોબાઈલ ફોનથી પાડેલા ફોટા વાયરલ થતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આઈ.બી.એ ઘટનાની ગંભીર નોંધ લઈ તપાસ શરૂ કરી છે. ત્યારે ખૂનખાર આરોપીઓ દ્વારા જેલમાં માદક પદાર્થો-ડ્રગ્સનો ઉપયોગ કરી દમ મારતા હોવાના ફોટા પણ વાયરલ થયા છે, જેના પગલે જેલના સત્તાવાળાઓની મિલીભગત અને મોટો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે.

અત્રેની સેન્ટ્રલ જેલમાં હત્યા-મારામારીના બનાવો બની ચૂકયા છે. ત્યારે મોબાઈલ ફોન ઉપરાંત ચરસ, ગાંજાે, ડ્રગ્સ જેવા માદક પદાર્થોનો જેલની બેરેકમાં ખૂલ્લેઆમ ઉપયોગ થાય છે. એના પુરાવારૂપે ખૂનખાર કેદીઓ દમના ધુમાડા કાઢતા ફોટાઓ પાડી જેલની બહાર મોકલી પોલીસતંત્રને પડકાર ફેંકી રહ્યા છે.

ગઈકાલે ગુરુવારે કાચાકામના રીઢા ગુનેગારોના ફોટાઓ બેરેકમાં પાડી બહાર મોકલાયા હતા જેનો અહેવાલ એકમાત્ર ‘લોકસત્તા-જનસત્તા’એ પ્રસિદ્ધ કરતાં તંત્ર ચોંકી ઊઠયું હતું. ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)એ એની ગંભીર નોંધ લઈ તત્કાલ તપાસ હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સેન્ટ્રલ જેલની બેરેકમાં અન્ય કેદીઓની હાજરીમાં જ માથાભારે હુસેન સુન્ની અને સુલતાન નામના કુખ્યાત ગુનેગારે અન્ય ટપોરીઓને સાથે રાખી રીતસરનું ફોટોસેશન કરાવ્યું હતું અને ફોટાઓ બહાર મોકલ્યા હતા. ત્યારે આજે આ ગેંગ દ્વારા ચરસ, ગાંજાે, ડ્રગ્સના દમ મારી ધુમાડો ઉડાવતા ફોટાઓ પાડી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યા છે.જેમાં આ કેદીઓની ગેંગ અન્ય કેદીઓની હાજરીમાં જ ચલમ પીતા અને ધુમાડા ઉડાવતા નજરે પડે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે લાંચ લઈ બીડી, સિગારેટ, તમાકુ, ગુટખા જેલમાં જાય એ તો સમજી શકાય, પરંતુ બહાર પણ જેના ઉપર સખ્ત પ્રતિબંધ છે એવા યુવાધનને ખોખલાં કરતા માદક પદાર્થો પણ આસાનીથી ઘૂસી જાય છે. તો દારૂગોળો કે વિસ્ફોટક પદાર્થ પણ નહીં જાય એની શું ખાતરી? એવો સવાલ ઊભો થયો છે. જેલમાં હત્યા, મારામારી, મોબાઈલ ફોનના ઉપયોગથી વાતચીત, ધમકી, ખંડણી જેવી ફરિયાદો અગાઉ થઈ ચૂકી છે. ત્યારે જેલના સત્તાવાળાઓના ભ્રષ્ટાચારના પાપે હવે સેન્ટ્રલ જેલમાં માદક પદાર્થો પણ ખૂલ્લેઆમ વપરાતા હોવાની હકીકત આ ફોટાઓ ઉપરથી બહાર આવી છે. જેના ફોટા વાયરલ થયા બાદ આઈબીએ તાત્કાલિક નોંધ લઈ તપાસ હાથ ધરી છે. ત્યારે ગૃહ વિભાગ પણ હવે કાર્યવાહી શરૂ કરશે એમ સૂત્રોએ જણાવ્યું છે.

ગંભીર ફરિયાદો છતાં જેલ અધિક્ષક સુરક્ષિત

મારા હાથ છેક ગાંધીનગર સુધી પહોંચેલા છે, મારું કોઈ કશું બગાડી શકવાનું નથી એમ જાહેરમાં બોલાતા હોવાનું મનાતા જેલ અધિક્ષક બલદેવસિંહ સામે અગાઉ અનેક ગંભીર આરોપ ધરાવતી ફરિયાદો ઊઠી છે. જેમાં ભ્રષ્ટાચાર, કટકી તો સમજ્યા, હત્યા અને ઘાતક હુમલા જેવા બનાવોમાં પણ ગંભીર બેદરકારી દાખવાઈ હોવાનું કહેવાય છે. હાલમાં જ જેલમાં કેદીઓની સામૂહિક હડતાળ છતાં એમનો વાળ પણ વાંકો થયો નથી.

વાયરલ ફોટામાં મુખ્ય આરોપી કોણ?

સેન્ટ્રલ જેલની બેરેકમાં સ્માર્ટ ફોનના ઉપયોગથી ફોટા વાયરલ થતાં જ આઈબીએ તો તપાસ હાથ ધરી છે. પરંતુ પોલીસ વિભાગ ફરિયાદ કોની સામે નોંધવી એવી અવઢવમાં મુકાઈ છે. કારણ કે, ફોટા વાયરલ થયા છે એ પૈકી બે પૈકીની પાસા હેઠળ અન્ય જેલમાં બદલી થઈ ચૂકી છે. ત્યારે મુખ્ય આરોપી તરીકે કોને દર્શાવવો એવો સવાલ પોલીસ વિભાગને મૂંઝવી રહ્યો છે.