લખનૌ-

જનસામાન્યની આંખો પહોળી થઈ જાય એવા એક કિસ્સામાં દાયકાઓથી હિમાલયમાં રહીને સાધના કરતા અને દિલમાં રામમંદિરના નિર્માણની ઝંખના રાખતા એક સાધુએ રામમંદિરના નિર્માણ માટે એક કરોડ રૂપિયાનો ચેક લખી આપ્યો હતો.

ઋષિકેશની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાતે સાધુ શંકરદાસ પહોંચ્યા ત્યારે બેંક મેનેજરને જરાય ખ્યાલ નહોતો કે, તેમનો ઈરાદો શું હતો, પરંતુ હાલ 83 વર્ષના અને છેલ્લા 6 દાયકાથી હિમાલયમાં આકરી તપશ્ચર્યા કરી રહેલા શંકરદાસે જ્યારે પોતાનો ત્યાં આવવાનો મકસદ કીધો તો તેઓ પણ દંગ રહી ગયા હતા. આ સાધુએ જીવનભર પાઈ-પાઈ એક કરીને આજદીન સુધી રૂપિયા 1 કરોડથી વધારેની રકમ ભેગી કરી હતી અને હવે જ્યારે રામમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે તેમણે એ રકમ મંદિર નિર્માણમાં ફાળા તરીકે આપી દેવાની ખ્વાહિશ બતાવી હતી. બેંક મેનેજરે તેમની વિગત પૂછીને ખાતું ચેક કર્યું તો એકદમ સાચું હતું કે તેમના ખાતામાં એટલી રકમ હતી જ અને તેઓ એક કરોડ રુપિયાનો ચેક લખે તેેે બેંક સ્વીકારવા તૈયાર હતી. બેંક મેનેજરે આ ચેકનો સ્વીકાર કરીને તેને રામમંદિર ટ્રસ્ટ જમા કરીને રસીદ આપી હતી. આ સાધુએ કહ્યું હતું કે, તેમણે તો આ રકમ ગુપ્ત દાન તરીકે જ આપવી હતી પણ, તેઓ લોકોને સંદેશો આપવા માંગતા હતા કે, એક સંત જો આટલી મોટી રકમ આપી શકે તો, સામાન્ય જન જરૂરથી કંઈક યોગદાન તો કરી જ શકે.