દિલ્હી-

અમેરીકામાં સહિતના દેશોમાં અનેક લોકો ભારતમાં ચાલતા કૃષિ આંદોલનનો લાભ લઈને પોતે પ્રસિદ્ધિ મેળવવા માંગતા હોય એમ હવે જણાઈ રહ્યું છે. કૃષિ કાયદા બાબતે કેટલીક વિદેશી હસ્તિઓના ટ્વીટ બાદ હવે અમેરિકાની ફુટબોલ લીગ દરમિયાન કિસાન આંદોલનની એક એડ દેખાડવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો કે અમેરિકામાં ફુટબોલ સુપર બાઉલ લીગ દરમિયાન આવું થયું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હોવાનું મિડિયામાં જણાઈ રહ્યું છે.

ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં કિસાન આંદોલન કરી રહ્યાં છે, તે બાબતે પોપ સ્ટાર રિહાના, પર્યાવરણને લઈને કામ કરનારી એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ, પોર્ન સ્ટાર મિયા ખલીફા સહિત ઘણી વિદેશી હસ્તિઓએ ટ્વીટ કર્યા હતા અને આ બાબતે ભારતમાં ભારે વિરોધ થયો હતો. 

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલી એક વીડિયો ક્લિપમાં દાવો કરવામાં આવ્યો છે કે, કથિત રીતે આ એડ અમેરિકામાં ચલાવવામાં આવી છે. 40 સેકન્ડની આ વીડિયો ક્લિપમાં ભારતમાંથી ત્રણ કૃષિ કાયદાને પરત લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ વીડિયો એડમાં માર્ટિન લ્યુથર કિંગ જૂનિયરનું એક કથન પણ દેખાડવામાં આવ્યું છે. માર્ટીન લ્યુથર કિંગને અમેરીકા સહિતના વિદેશોમાં અન્યાય અને દમન સામે પ્રતિકારક ઝૂંબેશ ચલાવનારા નેતા તરીકે માનની નજરે જોવાય છે.

અનેક  યુઝર્સ દ્વારા આ એડને ટ્વિટર પરના એકાઉન્ટ તરફથી શેર કરવામાં આવી છે. આ યુઝર્સ પૈકીના એક સિમરનજીત સિંહ નામના એક યૂઝરે લખ્યું હતું કે, કિસાન આંદોલન પર સુપર બાઉલની એડ. જો તમે અત્યાર સુધી નથી સાંભળ્યું તો આ સમય છે. આ અન્યાય છે, અને અમને પ્રભાવિત કરે છે. તેમણે યુઝર્સને આ બાબતની નોંધ લેવા અપીલ કરી હતી.