વડોદરા, તા.૫
ગત મોડી રાત્રે સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વોર્ડમાં એક અજાણી મહિલા ચાકૂ સાથે ઘૂસી આવતાં અને શંકાસ્પદ ગતિવિધિ જણાઈ આવતાં ફરજ પરના સિકયુરિટી ગાર્ડે તેણીને અટકાવી હતી અને સઘન પૂછપરછ કરી અંગઝડતી લેતાં તેણીની પાસેથી ચાકૂ મળી આવ્યું હતું. આ અજાણી મહિલાને પોલીસને સોંપવામાં આવી હતી.
આ બનાવની વિગત અનુસાર સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વોર્ડની બહાર રાત્રિના ૧૨ વાગ્યાની આસપાસ એક મહિલા શંકાસ્પદ હાલતમાં આંટાફેરા મારી રહી હતી અને સિકયુરિટી ગાર્ડની નજર ચૂકવીને પ્રસૂતિ વોર્ડમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. તેણીએ પોતાનું પેશન્ટ દાખલ હોવાનું જણાવી વોર્ડમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં સિકયુરિટી ગાર્ડ મહિલાની સાથે ત્રીજા માળે પેશન્ટને જાેવા ગયા હતા. તેણીએ ત્યાં એક પેશન્ટને બતાવી હતી. સિકયુરિટી ગાર્ડે પેશન્ટને પૂછતાં હું તેણીને ઓળખતી નથી તેમ જણાવ્યું હતું. જેથી સિકયુરિટી ગાર્ડને આ મહિલા ઉપર શંકા દૃઢ બની હતી, તે બાદ મહિલા સિકયુરિટી ગાર્ડને બોલાવી તેણીની અંગઝડતી કરતાં તેણીની પાસેથી એક ચાકૂ મળી આવ્યું હતું. આ અંગે પૂછતાં સંતોષકારક જવાબ નહીં આપતાં તેણીની સઘન પૂછપરછ કરતાં તે ગાજરાવાડીની હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેણીની પોતાનું નામ બોલતી ન હોવાથી રાવપુરા પોલીસને સોંપવામાં આવી હતી.
Loading ...