આ દેશમાં સંસદભવનમાં બળાત્કાર, જાણો આ સનસનીખેજ ઘટના
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, ફેબ્રુઆરી 2021  |   1188

સિડની-

ઓસ્ટ્રેલિયામાં એક પૂર્વ સરકારી મહિલા કર્મચારીએ પોતાના ઉપર સંસદભવનમાં જ બળાત્કાર કરાયો હોવાનો સનસનીખેજ આરોપ મૂક્યો છે. 26 વર્ષીય બ્રિટની હિંગીસે આરોપ મૂક્યો હતો કે, 2018ની એક રાત્રે એ પાર્ટીમાં ગઈ હતી. ત્યાં તેણે શરાબસેવન કર્યું હતું. ત્યારબાદ તેનો એક સહકર્મચારી તેને સંસદભવનની સંરક્ષણ પ્રધાનની કચેરીમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એ વખતે સ્કોટ મોરીસનની યુતિ સરકાર શાસનમાં હોવાનું પણ તેણે કહ્યું હતું. તેણે વધુમાં દાવો કર્યો હતો કે, ખુદ વડાપ્રધાને પણ આ બનાવની ઠીક તપાસ નહોતી કરાવી. જો કે, મહિલાએ હાલ પૂરતું બળાત્કારીનું નામ જાહેર નથી કર્યું. 

બ્રિટની એ ભયાનક ઘટનાને યાદ કરતા કહે છે કે, એ ત્યારે 24 વર્ષની હતી અને પોતાના થોડાક સહકર્મચારી અને સાથીઓની સાથે તે એક પાર્ટીમાં ગઈ હતી. ત્યાં બધાએ શરાબનો નશો કર્યો હતો. ત્યારબાદ તેના એક સાથી કર્મચારીએ તેને ઘરે છોડી દેવાનું વચન આપ્યું હતું, પરંતુ એ વ્યક્તિ તેને ઘરે છોડવાને બદલે તેને સંસદભવનમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સંરક્ષણ પ્રધાનની ઓફિસમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે કહ્યું કે તેને કૈંક હોશ આવતાં તેણે તેને રોકવા પ્રયાસ પણ કર્યો હતો, પણ તે તેને રોકવામાં નાકામ રહી હતી. 

મારી સાથે થયેલા આ દુર્વ્યવહારની મેં પોતાના સાથીઓને જાણ કરી હતી એટલું  જ નહીં પણ સરકાર અને પોલીસને પણ તે બાબતની વિગતે વાત કરીને પૂરાવા પણ આપ્યા હતા. ડેમોક્રેટિક પાર્ટીએ મને ન્યાય અપાવવા ભરોસો આપ્યો હતો પણ અત્યાર સુધી કશું કરાયું નથી. બ્રિટનીએ પોતાના પર બળાત્કાર કરનારનું નામ નહોતું જણાવ્યું, પરંતુ કહ્યું હતું કે બળાત્કારી હાલ ત્યાં લિબરલ પાર્ટીનો એક ઉગતો નેતા છે. તેણે માન્યું હતું કે, એ રાતે તેઓ નશામાં હતા અને તેણે એ બાબતની સંરક્ષણ પ્રધાનને જાણ પણ કરી હતી. અન્ય 12 લોકોને પણ તેની જાણ કરી હતી. ત્યારબાદ થોડો સમયમાં જ પ્રધાનમંત્રી મોરીસને દેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી હતી. મોરીસન દુખ સાથે માને છે કે, આ ઘટનાની ઠીક તપાસ નથી થઈ. નોંધનીય વાત એ છે કે, પોલીસે હિંગિસ પર ફરીયાદ પાછી ખેંચી લેવા દબાણ કર્યું હતું. તેણે કહ્યું હતું કે, તેને ધમકી અપાઈ હતી કે, નોકરી બચાવવી હોય તો હિંગિસે ફરીયાદ પાછી લેવી.

ઓસ્ટ્રેલિયન સરકારે આપેલા આંકડાઓ મુજબ, દેશમાં 15 વર્ષથી વધારે વયની દર 6માંથી એક છોકરી જાતિય હુમલાની શિકાર થાય છે, અને ઘણેભાગે એ સ્થળ કામનું સ્થળ એટલે કે વર્કપ્લેસ હોય છે. 

  



© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution