સ્ટેશન વિસ્તારની ખાનગી હોટેલના રૂમમાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, એપ્રીલ 2026  |   વડોદરા   |   2079

વડોદરા શહેરના હાર્દ સમાન સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં પંચમહાલના ૨૭ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. જનમહેલ સ્થિત ‘સાંઈ કૃપા’ હોટેલના રૂમ નંબર ૩૦૬માં યુવકનો મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં યુવકે મહિલાના દુપટ્ટાનો ગાળિયો બનાવી આપઘાત કર્યો હોવાનું સામે આવતા આ મામલે અનેક રહસ્યો સર્જાયા છે.

મળતી માહિતી મુજબ, મૃતક યુવક ગત સોમવારે સવારે ૮ વાગ્યે પોતાની મોટર સાઈકલ લઈને હોટેલમાં રોકાયો હતો. હોટેલના રજિસ્ટર અને આધાર કાર્ડના આધારે તેની ઓળખ જયેન્દ્રકુમાર કમલસિંહ લુહાર (રહે. લુહાર ફળિયું, વિજાપુર ગામ, જિલ્લો પંચમહાલ) તરીકે થઈ છે. જયેન્દ્રકુમારે હોટેલમાં ચેક-ઈન કર્યા બાદ તે રૂમની બહાર નીકળ્યો ન હતો.

નિર્ધારિત સમય વીતવા છતાં રૂમ ન ખૂલતા હોટેલ સ્ટાફને શંકા ગઈ હતી. વારંવાર દરવાજાે ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા આખરે દરવાજાે તોડી તપાસ કરવામાં આવી હતી, જ્યાં યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. સયાજીગંજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૃતક યુવકના પાકીટ અને બેગની તલાશી લેતા તેમાંથી તેના પોતાના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ ઉપરાંત એક યુવતીનું પણ ચૂંટણી કાર્ડ મળી આવ્યું છે. આ સાથે જ યુવકે આપઘાત માટે મહિલાના દુપટ્ટાનો ઉપયોગ કર્યો હોવાથી આ સમગ્ર મામલો પ્રેમપ્રકરણ કે અન્ય કોઈ ગંભીર વિવાદ તરફ ઈશારો કરી રહ્યો હોય તેમ જણાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution