11, સપ્ટેમ્બર 2025
અમદાવાદ |
2772 |
અકસ્માત સર્જીને ફરાર થયેલા કાર ચાલકની પોલીસ દ્વારા શોધખોળ
બાયડ-અમદાવાદ હાઈવે પર આંબલિયારા ગામ નજીક બુધવારે મોડી સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત નિપજ્યાં હતા. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર પતિ, પત્ની અને તેમના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું.
મળતી વિગતો મુજબ બુધવારે સાંજે ઝાલોદ વિસ્તારનો એક પરિવાર બાઈક પર જઇ રહ્યો હતો. ત્યારે આંબલિયારા ગામ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવતી એક કાર સાથે બાઈકની ટક્કર સર્જાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ બાઈકમાં આગ લાગી ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા વ્યક્તીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા તેમની પત્ની અને બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત નિપજ્યું હતુ.
અકસ્માત બાદ કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ફરાર થઈ ગયેલા કાર ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.