જયોતિષ શાસ્ત્ર મુજબ અધિકમાસમાં 15 દિવસ શુભ યોગ છે, જાણો કયા કયા યોગ બને છે ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, સપ્ટેમ્બર 2020  |   2376

ભગવાન શ્રી વિષ્ણુનો પુરષોત્તમ માસ એટલે કે મળમાસ શરુ થશે. જે 16 ઓક્ટોબર સુધી ચાલશે. અને પછી 17 ઓક્ટોબરથી નવરાત્રિ એટલે કે આધ્યશક્તિ જગત જનની ની ઉપાસનાના દિવસ શરુ થશે. હિંદુ પંચાગ મુજબ આ વર્ષે અશ્વિન મહિનામાં અધિકમાસ છે. જેનો અર્થ છે કે આ વર્ષે બે અશ્વિન માસ રહેશે. અશ્વિન માસમાં નવરાત્રિ, દશેરા જેવા તહેવારોને ઉજવાય છે.

આ વર્ષે અધિકમાસમાં અનેક શુભ સંયોગ બની રહ્યા છે. જયોતિષ મુજબ અધિકમાસમાં 15 દિવસ શુભ યોગ બની રહ્યો છે. આધિકમાસ દરમિયાન સર્વાર્થસિદ્ધિ યોગ 9 દિવસ, દ્વિપુષ્કર યોગ 2 દિવસ, અમૃતસિદ્ધિ યોગ એક દિવસ અને બે દિવસ પુષ્ય નક્ષત્ર યોગ બની રહ્યા છે. જ્યોતિષ મુજબ અધિમાસમાં સર્વાર્થસિદ્ધિ યોગ બનવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે દ્વિપુષ્કર યોગમાં કરેલા કામનું ડબલ પરિણામ મળે છે. આ સિવાય પુષ્ય નક્ષત્ર ખરીદી માટે શુભ સાબિત થશે.

અધિકમાસને કેટલીક જગ્યાએ મલમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય આ મહિનો પુરુષોત્તમ તરીકે પણ ઓળખાય છે. પૌરાણિક કથા અનુસાર, મલિનમાસ હોવાને કારણે કોઈ પણ ભગવાન આ મહિનામાં પૂજા કરવા માંગતા ન હતા. કોઈ પણ આ મહિનાના દેવ બનવા માંગતો ન હતો. ત્યારબાદ મલમાસે ખુદ ભગવાન વિષ્ણુને વિનંતી કરી. ત્યારે ભગવાન વિષ્ણુએ મલમાસને પોતાનું નામ પુરુષોત્તમ રાખ્યું. ત્યારથી, આ મહિનો પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાય છે. સૂર્ય વર્ષ 365 દિવસ અને લગભગ 6 કલાક છે. જ્યારે ચંદ્ર વર્ષ 354 દિવસ હોય છે. બે વર્ષ વચ્ચે લગભગ 11 દિવસનો તફાવત છે. આ તફાવત દર ત્રણ વર્ષે લગભગ એક મહિના જેટલો થાય છે. આ તફાવતને દૂર કરવા માટે, ત્રણ વર્ષમાં એક ચંદ્ર મહિના વધુ આવે છે. આ ઉમેરાને કારણે, તેને અધિકમાસ નામ આપવામાં આવ્યુ છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution