ATSએ NRI ટ્રસ્ટી સહિત 4ની હત્યા કરનારો આરોપી 16 વર્ષે ઝડપાયો
14, ઓગ્સ્ટ 2020 297   |  

અમદાવાદ-

કડી તાલુકાના ઉટવા ગામમાં વર્ષ 2004માં મહાકાળી મંદિરના NRI ટ્રસ્ટી અને સાધ્વી સહિત 4 લોકોની હત્યા કરી લૂંટ ચલાવનાર આરોપી તેમજ 48 વર્ષીય ગોવિંદ નંદરામ યાદવની 16 વર્ષ બાદ ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કોડની ટીમે દિલ્હી ધરપકડ કરી છે. ગોવિંદ નંગરામ મૂળ મઘ્યપ્રદેશના સિમથરા ગામનો રહેવાસી છે. હત્યાકાંડ બાદ ફરાર થયેલો યાદવ પોલીસથી બચવા અલગ-અલગ રાજ્યમાં નામ બદલીને રહેતો હતો. યાદવે લાખો રૂપિયાની રોકડ અને ઝવેરાતની પણ ચોરી કરી હતી અને ત્યારથી તે ફરાર હતો. તે નવી ઓળખ ધારણ કરીને દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં સ્થાયી થયો હતો. ગુજરાત સરકારે તે સમયે તેની માહિતી આપનારને 51,000 રૂપિયાનું ઇનામ જાહેરાત કરી હતી.

યાદવે વર્ષ 2004માં મહાકાળી મંદિરના NRI ટ્રસ્ટી ચિમન પટેલ સહિત ચાર લોકોની હત્યા કરીને લૂંટ મચાવી હતી.ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ હિમાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે ચિમન પટેલે એ સમયે મંદિર બનાવ્યું હતું અને તેઓ મંદિર ટ્રસ્ટીઓમાંના એક હતા. તેઓ મંદિર આવ્યા હતા અને મંદિરમાં રોકાયા હતા. તેમના સિવાય સરસ્વતી માતાજી (35 વર્ષ) અને બે સેવક મોહન લુહાર અને કર્મણ લુહાર પણ મંદિરમાં ચાલી રહેલા કામ માટે રોકાયા હતા. યાદવ મંદિરનો સિક્યોરિટી ગાર્ડ હતો અને તે તેની પત્ની રાજકુમારી સાથે રહેતો હતો. DIGP શુક્લાએ જણાવ્યું કે, યાદવ પોતાનું નામ બદલીને મહેન્દ્રસિંહ ગોવિંદસિંહ રાખ્યું હતું.

શુક્લાએ કહ્યું કે, 2 એપ્રિલ 2004ના રોજ રાત્રે ફરિયાદી ચીમન પટેલની પુત્રવધૂ સુધાએ મંદિરની ઓફિસમાં ગળું કાપેલી હાલતમાં ચીમનભાઈનો મૃતદેહ જોયો હતો. સમતાનંદપૂર્ણા સરસ્વતીનો મૃતદેહ બાથરૂમમાં લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. જ્યારે મોહન અને કર્મણ લુહારની લાશ મંદિરના કેમ્પસમાં આવેલા આશ્રમના બંધ ઓરડામાંથી મળી આવી હતી. શુક્લાએ જણાવ્યું કે, ફક્ત સિક્યોરિટી ગાર્ડ મહેન્દ્રસિંહ અને તેની પત્ની ગુમ થયા હતા જેથી હત્યા અને લૂંટની શંકા બંને તરફ દોરી ગઈ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution