વડગામ,તા.૨૬ 

વડગામ તાલુકાના ગીડાસણ ગામના રહીશ અને સદભાવના ગૃપના ચેરમેન હરેશભાઈ ચૌધરી દ્વારા અનેક જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બનીને સેવાકીય કાર્ય કરી રહ્યા છે.તેમની સેવાઓની સુવાસ બનાસકાંઠા જિલ્લામાં પ્રસરી રહી છે. વર્તમાન કોરોના મહામારીની દરેક લોકોના ધંધા-રોજગાર પર અસર જોવા મળી રહી છે.દેશ આર્થિક મંદીથી પસાર થઇ રહ્યો છે ત્યારે આર્થિક પછાત લોકોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.આવી પરિસ્થિતિમાં કોઈ આકસ્મિક ખર્ચ કરવાનું આવેએ આર્થિક પછાત લોકો માટે ખુબ મુશ્કેલ બની જાય છે.દેશની લુપ્ત થતી સંસ્કૃતિ ભવાઈ નાટકમાં શેરીએ શેરીએ કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા રહીમભાઈ મીરની દીકરી સફીરા ઇકબાલ મીરને ડીલીવરી પ્રસંગ હોવાથી પાલનપુર ખાનગી દવાખાને દાખલ કરવી પડી.તેને પુત્રનો જન્મ થતા બાળકની તબિયત અત્યંત નાજુક હોવાથી બાળકને ડોક્ટર હાઉસ સ્થિત ડો.રમેશભાઈ પટેલના ત્યાં તાત્કાલિક દાખલ કરવાની ફરજ જણાઈ.ચાર દિવસની સારવાર બાદ જયારે દવાખાનેથી રજા આપવાનો સમય આવ્યો ત્યારે સફીરા ઇકબાલના પિતા રહીમભાઈ મીરને વર્તમાન કોરોના મહામારીના કારણે આર્થિક સંકડામણના કારણે દવાખાનાનું બિલ ચુકવવાના પણ પૈસા ન હોવાથી વિમાસણમાં મુકાયા હતા.રહીમભાઈને દવાખાનામાંથી જ અન્ય દર્દીના સગા મારફત આ બાબતે મદદરૂપ થવા માટે સદભાવના ગ્રુપના હરેશભાઈ ચૌધરીનો સંપર્ક નંબર આપ્યો હતો.શનિવારે રાત્રે ૧૧ઃ૩૦ વાગે જે બાબતે રહીમભાઈએ ટેલિફોન કરી હરેશભાઈ ચૌધરીનો સંપર્ક કરેલ અને જણાવેલ કે આવતી કાલે રવિવારે સવારે દવાખાનેથી મારી દીકરી અને તેના દીકરાને રજા આપવાની છે.પરંતુ છેલ્લા ૬ મહિનાથી મારો ભવાઈ-નાટકનો વ્યવસાય બંધ છે. દવાખાનાનું બિલ આપવા માટે પૈસાની સગવડ નથી, આપ કઈ આ બાબતે મદદ કરો એવી અપેક્ષા છે.રહીમભાઈની પરિસ્થિતિ જોઈ કોઈ પણ પરિચય વગર તાત્કલિક મદદની ખાતરી આપી સદભાવના ગ્રુપના હરેશભાઈ ચૌધરીએ રવિવારે સવારે ડોક્ટર હાઉસ સ્થિત ડો.રમેશભાઈ પટેલના ત્યાં જઈ રહીમભાઈની દીકરી સફીરા ઇકબાલ મીરનું હોસ્પીટલનું તમામ બિલ ચૂકવી દવાખાનમાંથી રજા અપાવી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.