કાબુલ-

અફઘાનિસ્તાન પર તાલિબાનનાં પૂર્ણ કબ્જા બાદ હવે આ દેશનાં નાગરિકો કેવી રીતે જીવશે અને તેમના પર આ તાલિબાની આતંકીઓ કેવો કહેર વરસાવશે તે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, મોટી સંખ્યામાં અફઘાન નાગરિકો હવે રસ્તે ઉતરીને આ તાલિબાન આતંકીઓનો વિરોધ કરી રહ્યા છે, જેમા આગળ મહિલાઓ જોવા મળી રહી છે. 

અફઘાનિસ્તાનમાં તાલિબાન લડવૈયાઓએ સ્વતંત્રતા દિવસની રેલીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવતાં ભીડ પર ગોળીબાર કર્યા બાદ ઘણા લોકો માર્યા ગયા હતા. ધ ગાર્ડિયને ગુરુવારે એક અહેવાલમાં આ દાવો કર્યો હતો. રિપોર્ટ અનુસાર, એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, ગોળીઓ ચલાવવામાં આવતા જ લોકો ગભરાઈ ગયા હતા અને ભાગદોડ મચી ગઈ હતી. એક દિવસ પહેલા, તાલિબાન દ્વારા આવા એક વિરોધ સામે ફાયરિંગમાં ત્રણ નાગરિકો માર્યા ગયા હતા. તાલિબાનોએ 15 ઓગસ્ટનાં રોજ કાબુલ પર કબજો કર્યો ત્યારથી, અસાદાબાદ શહેરમાં મોટો વિરોધ જોવા મળ્યો છે, જેમાં સફેદ તાલિબાનનાં ઝંડા ફાડી નાખવામાં આવ્યા હતા. આ પ્રદર્શનને એકવાર ફરીથી દેશની સત્તા પર કબ્જા કરનાર તાલિબાનનાં વિરોધમાં ઉઠેલા પ્રથમ અવાજ તરીકે પણ જોઇ શકાય છે. એક પ્રત્યક્ષદર્શી મોહમ્મદ સલીમે જણાવ્યું હતું કે, તે સ્પષ્ટ નથી કે જાનહાનિની સંખ્યા ગોળીબારથી થઇ કે મોબ લિંચિંગને કારણે થઈ. સલિમે કહ્યું, “સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તાલિબાનનાં ફાયરિંગ અને નાસભાગમાં ઘણા લોકો માર્યા ગયા અને ઘાયલ થયા છે,” જો કે, તાલિબાન તરફથી કોઇ પ્રવક્તા આ ઘટનાક્રમ પર ટિપ્પણી માટે તુરંત ઉપલબ્ધ ન થઇ શક્યા. અફઘાનિસ્તાન 19 ઓગસ્ટનાં રોજ બ્રિટિશ નિયંત્રણમાંથી તેની સ્વતંત્રતાની ઉજવણી કરે છે, અને એવા સંકેતો હતા કે સમગ્ર દેશમાં તાલિબાન સામે અસંતોષ વધી રહ્યો હતો.