અફઘાનિસ્તાન-

અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં ગુરુવારે મોટો હુમલો થયો છે. આ હુમલો અહીંની સૌથી મોટી મસ્જિદ પર થયો હતો. મસ્જિદની અંદર બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક ટોલો ન્યૂઝે સૂત્રોને ટાંકીને આ બાબત વિશે માહિતી આપી છે. આ મસ્જિદ બીબી ફાતિમા મસ્જિદ અને ઇમામ બરગાહ તરીકે ઓળખાય છે. બોમ્બ વિસ્ફોટ શુક્રવારની નમાઝ દરમિયાન થયો હતો. સ્થાનિક મીડિયા અનુસાર, મૃત્યુઆંક વધવાની આશંકા છે. સત્તાવાર રીતે મૃત્યુઆંક હજુ સુધી આપવામાં આવ્યો નથી. આ સિવાય કોઈ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. બોમ્બ વિસ્ફોટ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ તે આત્મઘાતી હુમલો હોવાનું મનાય છે. તાલિબાને 13 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંદહાર પર કબજો કર્યો હતો.

ISIS-K જવાબદાર હોઈ શકે છે

આ હુમલા પાછળ ઇસ્લામિક સ્ટેટ-ખોરાસન એટલે કે ISIS-K જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આ વૈશ્વિક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન સ્થિત શાખા છે. જે દેશના લઘુમતી શિયા મુસ્લિમોને સતત નિશાન બનાવી રહી છે. અગાઉ શુક્રવારે, શુક્રવારની નમાઝ દરમિયાન, ઉત્તરી શહેર કુંદુરની એક મસ્જિદમાં બોમ્બ હુમલો થયો હતો. જેમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઇસ્લામિક સ્ટેટે આની જવાબદારી લીધી હતી. ઓગસ્ટમાં અમેરિકી દળોને હટાવ્યા બાદ આ સૌથી મોટો હુમલો હતો.

કાબુલની મસ્જિદ પણ નિશાન બની હતી

લગભગ બે સપ્તાહ પહેલા કુંદુઝ અને કંદહારની મસ્જિદો પર હુમલા પહેલા કાબુલની એક મસ્જિદને પણ નિશાન બનાવવામાં આવી હતી. અહીં મસ્જિદના ગેટ પર બોમ્બ બ્લાસ્ટ થયો. જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. આ હુમલા પાછળ ખુદ ઇસ્લામિક સ્ટેટને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે, જે તાલિબાનનો કટ્ટર દુશ્મન છે. કાબુલની આ મસ્જિદ પર હુમલો થયો ત્યારે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદની માતાની શોક સભા માટે મોટી સંખ્યામાં લોકો અહીં ભેગા થયા હતા.