વડોદરા, તા. ૨૯

ઈસ્કોન મંંદિર ખાતે છેલ્લા ૪૦ વર્ષથી પંરપરાગત રીતે જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.પરતું છેલ્લા બે વર્ષથી કોરોના હોવાથી મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવી હતી. પરતું આ વર્ષે પરંપરા અનુસાર સમગ્ર શહેરમાં નિર્ધારીત કરેલા માર્ગ પરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રસ્થાન કરશે.આ રથયાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તો જાેડાતા હોવાથી રથયાત્રા દરમ્યાન ૩ ટન શીરાનું તેમજ અન્ય પ્રસાદનું વિતરણ રથ યાત્રા દરમ્યાન કરવામાં આવશે.

દેશભરમાં અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે. ત્યારે છેલ્લા ૪૦ વર્ષથી દર વર્ષે શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન પૂર્વે વિવિધ પૂર્વ તૈયારીઓ તંત્ર તેમજ મંદિરના કાર્યકરો દ્વારા કરવામાં આવે છે. આ પૂર્વ આયોજન વિશે માહિતી આપવા માટે ઈસ્કોન આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંધ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્યા પર નિકળે છે. ત્યારે રથના પ્રસ્થાન પહેલાં નગરપતિ એટલે કે મેયર દ્વારા માર્ગની સફાઈ કરવામાં આવશે. તે સિવાય રથયાત્રા દરમ્યાન ભક્તોને ૩૦ હજાર કિલો ગ્રામ એટલે કે ત્રણ ટન શીરાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સાથે કેળા અને બુંદીનો પ્રસાદ પણ વહેંચવામાં આવશે. તે ઉપરાંત સાંજે પાંચ વાગે જાહેર જનતા માટે ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રથયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ બપોર દરમ્યાન અઢી કલાકે વડોદરા રેલ્વે સ્ટેશનથી પ્રસ્થાન કરીને સાંજે બરોડા હાઈસ્કુલ ખાતે પૂર્ણ થશે તેવું પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું.