ગાંધીનગર-

કોંગ્રેસમાં વિવાદ થયા બાદ પક્ષમાંથી બહાર નીકળી ગયા બાદ આજે યુવા અગ્રણી નિખિલ સવાણી આમ આદમી પાર્ટી-‘આપ’માં જોડાયા હતા. આમ આદમી પાર્ટી - ‘આપ’ના પ્રમુખ ગોપાલ ઈટાલિયા, પ્રદેશ અગ્રણી ઈસુદાન ગઢવી અને પ્રભારી ગુલાબસિંહ યાદવની ઉપસ્થિતિમાં નિખિલ સવાણીને પક્ષનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. આ પ્રસંગે નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ખેતી, વીજળી, પાણીના પ્રશ્નોનાં નિકાલ માટે જે કામગીરી કરવામાં આવી છે. તેમની કામગીરીથી પ્રેરાઈને હું ‘આપ’માં જોડાયો છું. રાજયમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી, ખેતી, પાણી, વેપારની સમસ્યાઓને દૂર કરવા અને ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાના મુદ્દે વ્યવસ્થા પરિવર્તન કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.

પહેલાં ભાજપ, ત્યાર બાદ કોંગ્રેસ અને હવે આમ આદમી પાર્ટીમાં કેમ જોડાયા? શું તમને તેની વિચારધારા ન માફક આવી? તેવા સવાલના પ્રત્યુત્તરમાં નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે, હું યુવાનોના પ્રશ્નોને વાચા આપવા માટે હું કોંગ્રેસમાં જોડાયો હતો. પરંતુ ત્યાં કોઈ કામો ન થતાં હવે હું ‘આપ’માં જોડાયો છું. જ્યારે ‘આપ’માં જોડાયા છો તો તમને શું યુવા પ્રમુખ બનાવશે તેવું કોઈ વચન અપાયું છે કે કેમ? તેવા સવાલના પ્રત્યુત્તરમાં સવાણીએ જણાવ્યું હતું કે, હું યુવાનોના કામોને વાચા આપવા માટે કાર્યકર તરીકે જોડાયો છું. બાકી પાર્ટી જે કોઈ જવાબદારી આપશે તેને સ્વીકારીને તેને નિભાવવાનો પ્રયાસ કરીશ.

આ પ્રસંગે રાજ્ય સરકારના રાજ્ય આરોગ્ય મંત્રી કિશોર કાનાણી દ્વારા ‘આપ’ ઉપર કરાયેલા આક્ષેપો અંગે પ્રદેશ અગ્રણી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા જે આઈસોલેશન વોર્ડ ઊભો કરાયો હતો. તેમાં ભાજપનો સિમ્બોલ લગાવવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ અમે તેમ ન કરતાં વોર્ડ બંધ કરવાની ફરજ પડી હતી.આ ઉપરાંત ઈસુદાન ગઢવીએ વધુમાં ભાજપ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સરકાર તેમની છે તપાસ કરાવે. જો ન કરી શકે તો અમે તપાસ કરીને તેમને રિપોર્ટ આપીએ. ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ હાર ભાળી ગયું છે તેથી નિતનવા ગતકડા કરે છે. અમારા પોસ્ટરો સાથે ચેડાં કરીને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે અમે છ દિવસ અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે આ પોસ્ટરોને વાયરલ કરનારાઓના નામ પણ આપ્યા હતા. પરંતુ હજુ સુધી તેમની સામે કોઈ પગલાં લેવાયા નથી. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની બાઈટમાં ફેરફાર કરીને વીડિયો વાયરલ કરવાની ઘટનામાં પોલીસને માત્ર અરજી કરાઈ હતી. તેમ છતાં તેમાં આરોપીને ઝડપી લેવાયા છે. જ્યારે અમે ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આ પોસ્ટરોમાં આપના અગ્રણીને ગુજરાતનાં યુવાનને અફગાનિસ્તાની આતંકવાદી ચિતરવામાં આવ્યો છે, તેવા પોસ્ટરો ભાજપના આઈટી સેલના ગ્રૂપમાંથી વાયરલ થયા હોવાનો પણ આક્ષેપ કરીને કહ્યું હતું કે, ગુજરાતનાં યુવાનને આતંકી ચીતરવાને ગુજરાતની જનતા ક્યારેય સાંખી નહિ લે.