વડોદરા, તા.૨૨

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળામાં એક જ રૂમમાં ત્રણ ધોરણના વર્ગોને ભણાવાતાં તેમજ એક વર્ગમાં વિદ્યાર્થીઓને પાથરણા વિના જમીન પર બેસાડી ભણાવાતાં હોવાના ઉપરાંત એક શાળામાં પીવાના પાણીની વ્યવસ્થા પણ નહીં હોવાના અહેવાલ ‘લોકસત્તા-જનસત્તા’એ પ્રકાશિત કરતાં તંત્ર દોડતું થયું હતું અને ક્લાસમાં બેન્ચિસ મુકાઈ ગઈ હતી. તો બીજી શાળામાં બાળકોને પીવાના પાણી માટે હંગામી સ્વરૂપે પાણીના જગની વ્યવસ્થા કરાઈ હતી.

વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાસણા વિસ્તારની રાજારામ મોહનરાય અને ગોત્રી વિસ્તારની સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળામાં ‘લોકસત્તા-જનસત્તા’ રિયાલિટી ચેકમાં સુવિધાનો અભાવ જાેવા મળ્યો હતો જેમાં રાજારામ મોહનરાય શાળામાં એક વર્ગમાં ત્રણ વર્ગોના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા અને બાળકોને બેસવા માટે પણ ન હતી. તો સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળામાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ ન હતી. જાે કે, આ અહેવાલ પ્રકાશિત થતાં તંત્ર દોડતું થયું હતું અને બાળકોને બેસવા માટે બેન્ચિસ પણ મુકાઈ ગઈ હતી.

તો બીજી શાળામાં પાણીના જગ મુકાઈ ગયા હતા. સમિતિના ચેરમેને કહ્યું હતું કે, ગઈકાલે યોગદિન હોવાથી યોગાભ્યાસ બાદ મધ્યાહન ભોજન માટે બાળકોને નીચે બેસાડવામાં આવ્યા હતા. જ્યારે આર.ઓ. મેઈન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે, ત્યાર સુધી પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી છે.