દીકરાનાં અપમૃત્યુ બાદ તેના નામે ખોટું વીલ બનાવી મિલકતો વેચી વીમા પોલિસીનાં લાખો રૂપિયા પડાવી લીધાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026  |   3267

સુરત, આત્મહત્યા કરનાર યુવકનાં નામની મિલકતો તથા વીમા પોલિસીનાં રૂપિયા પડાવી લેવા પુત્રવધુનાં નામે બોગસ એકાઉન્ટ ખોલાવી, ખોટી સહીઓ કરનારા લખાણી પરિવાર સાથે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. ખોટું વસીયતનામું ઉભુ કરવા સહિતનાં ષડયંત્ર રચીને પૂત્રવધુનાં હક્કનાં ૨.૭૨ કરોડ રૂપિયા ચાઉં કરી જવાયાનો આરોપ આ પરિવાર ઉપર મૂકાયો છે. ઉત્રાણ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર લંબેહનુમાન રોડ ઉપર લક્ષ્મીનગરમાં ૪૧ વર્ષીય હિરલબેન તેમના માતા-પિતા સાથે રહે છે. તેણીના લગ્ન ૨૫ નવેમ્બર ૨૦૦૭ના રોજ જયેશ રાણાભાઇ લખાણી સાથે થયા હતાં. દાંપત્ય જીવનમાં તેમને એક દિકરો થયો હતો. તીર્થ હાલ ૧૭ વર્ષનો છે. જયેશ લખાણી જમીન લે-વેચ અને ફાયનાન્સનું કામ પિતા રાણાભાઇ અને નાનાભાઇ મયુર સાથે કરતા હતાં. દરમિયાન ગત ૨૦ ડિસેમ્બર ૨૦૨૧ના રોડ જયેશ લખાણીએ સરથાણા જકાતનાકા પાસે રાઇઝન પ્લાઝામાં આવેલા ઓફિસમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પતિએ ભરેલા આત્યંતિક પગલાનાં કારણે હિરલ આઘાતમાં સરી પડી હતી. આ દરમિયાન દિયર મયુરે તેણી પાસેથી જયેશની ત્રણ વીમા પોલિસીનાં કાગળ મેળવી લીધા હતાં. બાદમાં સસરા અને દિયરે તેણીને કહ્યું હતું કે, જયેશે મૃત્યુ પહેલા વસીયતનામું બનાવ્યું હતું. ત્યારબાદ કાકા સસરા જીગ્નેશ કુરજીભાઇ લખાણી તેણીને સહ રજીસ્ટ્રાર કચેરીમાં સહી કરવાની છે એમ કહીને લઇ ગયા હતાં. જ્યાં જયેશ કરી ગયો છે એવું જણાવાયું હતું એ વીલની નોંધણી કરાવાઇ હતી. બાદમાં આ વીલના આધારે મોટા વરાછાના રીવરવ્યુ હાઇટ્સ બિલ્ડીંગમાં આવેલા ૩૦૧ નંબરના ફ્લેટનો દસ્તાવેજ સાસુ કંચનબેન લકાણીના નામે તથા મોટા વરાછા ટીપી-૧૮, બ્લોક નંબર-૦૫ માં આવેલ મિલકતનો દસ્તાવેજ કાકા સસરા રમેશ કુરજીભાઇ લકાણીનાં નામે કરી દેવાયો હતો. આ દરમિયાન પિયર રહેવા જતી રહેલી હિરલબેનને સીએ મનીષ જાજુએ કોલ કરીને જણાવ્યું હતું કે, જયેશભાઇનાં વીમા ક્લેઇમનાં રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા થઈ ગયા છે. જેથી હિરલે આ અંગે દિયર મયુરને પૂછતાં તેણે એવું કહ્યું કે, તમને વીમાની રકમમાં કોઇ ભાગ મળશે નહી. પતિના અકાળે અવસાન અને પછી મિલકતનાં ડખાથી માનસિક હતાશામાં સરી પડેલી હિરલબેને સાઇકીયાટ્રીસ્ટ પાસે સારવાર શરૂ કરાવવી પડી હતી. માનસિક રાહત થતાં હિરલે પતિની મિલકત અને વીમાના પૈસા અંગે સસરા રાણાભાઇને પૂછ્યું તો તેમણે અમારા ઘરમાં માથુ મારવાની જરૂર નથી, તને કશું આપવાનું થતું નથી એમ કહ્યું હતું. સાસરીયાઓનો આ વ્યવહાર શંકાસ્પદ લાગતા હિરલે જયેશે લખેલા વસીયતનામાની નિષ્ણાંતો પાસે તપાસ કરાવી હતી. જેમાં અગાઉ જયેશે કરેલા દસ્તાવેજાે અને વસિયત ઉપર લગાવાયેલું અંગૂઠાનું નિશાન મેચ કરાયું હતું. આ તપાસમાં વસિયત ઉપર હતું એ અંગૂઠાનું નિશાન જયેશનું ન હોવાનું બહાર આવ્યું હતું. હિરલનાં એકાઉન્ટમાં જમા થયેલા જયેશની વીમા પોલિસીનાં ૨.૨૯ કરોડ રૂપિયા હિરલનાં એકાઉન્ટમાં જમા થયા હતાં. આ રકમ તેણીની જાણ બહાર આરટીજીએસ થકી સાસુ સસરાનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાઇ હતી. જયેશના નામે હતી એ મિલકત વેચવાથી મળેલા ૪૩.૪૦ લાખ રૂપિયા પણ તેઓએ હિરલનાં નામે ધ ફાઇનાન્સીયલ કો.ઓ. બેંક લી. માં ખોલાવેલા બોગસ એકાઉન્ટ મારફતે ગજવે ઘાલ્યા હતાં. આ રીતે પતિનાં મોત બાદ પોતાના હક્કનાં ૨.૭૨ કરોડ ચાઉં કરી જનાર સાસરીયાઓ સામે હિરલ લખાણીએ પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution