લોકસત્તા વિશેષ, તા. ૬

શહેર ભાજપમાં ચાલતી જુથબંધી વધુ એક વખત સ્થાનિક નેતાગીરીને મોટો ઝાટકો આપનારી સાબિત થઈ છે. પ્રદેશ મહામંત્રીપદેથી સંધના મજબૂત કાર્યકર ભાર્ગવ ભટ્ટને દુર કરવામાં આવ્યા બાદ નવા મહામંત્રી તરીકે વડોદરામાંથી અન્ય કોઈ નેતાની પસંદગી કરવામાં આવે છે કે પછી વડોદરાની લડાઈમાં મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારમાંથી પસંદગી કરવામાં આવે છે તેને લઈને અટકળો શરૂ થઈ છે. વડોદરામાં જાેવા મળી રહેલી જુથબંધી અને ઝગડાને લઈ લોકસભાની ચૂંટણીના વર્ષમાં પ્રદેશ નેતાગીરી વડોદરાને મહામંત્રી પદની રેસમાંથી દૂર રાખે છે કે પછી પાટીલ કનેકશન ધરાવતા કેટલાક સ્થાનિક નેતાઓને નવી જવાબદારી મળે છે તેને લઈને અટકળો વહેતી થઈ છે. ઉલ્લેખનીય છેકે ભૂતકાળમાં આવી જ સ્થિતિમાં મધ્ય ગુજરાતના મહામંત્રીની જવાબદારી અમદાવાદના નેતાને સોંપવામાં આવી હતી.

બુધવારે બપોર બાદ ગુજરાતના રાજકારણમાં અચાનક ગરમાવો આવ્યો હતો. પ્રદેશ ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હોવાની અટકળો વચ્ચે મોડા આ સમાચાર કમલમમાંથી કન્ફર્મ કરવામાં આવ્યા હતા. જેમાં તેઓએ રાજીનામું આપ્યું હોવાની વાત કરવામાં આવી હતી. પરંતુ જ્યારે પ્રદેશ સંગઠન મજબૂતાઈથી કામ કરી રહ્યું હતું ત્યારે લોકસભાની ચૂંટણીના બરાબર એક વર્ષ પૂર્વે તેઓને દૂર કરવાના ર્નિણયને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી.

જાેકે આ ધટનાક્રમ બાદ હવે પ્રદેશ ભાજપમાં મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર મહામંત્રી કોણ હશે તેની ચર્ચા શરૂ થઈ છે. ત્યારે સૌ પ્રથમ આ ચર્ચામાં વડોદરા ક્યાં હશે તે બાબત જાેવા મળી રહી છે. નવા મહામંત્રી વડોદરાના હશે કે વડોદરાની બહારના તે નક્કી કરી શકાતું નથી. ખાસ કરીને સ્થાનિક નેતાગીરીના ઝગડા અને ચરમસીમાએ પહોંચેલા મતભેદ પ્રદેશ નેતાગીરી માટે મુશ્કેલી ઉભી કરનારા ન બને તે માટે કદાચ આ પસંદગી વડોદરા સિવાયના વિસ્તારમાંથી પણ થાય. તો બીજી તરફ શહેર ભાજપમાં મજબૂત પાટીલ કનેકશન ધરાવતા નેતાઓની લોટરી લાગે તેવી પણ ચર્ચાએ ભાજપમાં જાેર પકડ્યું છે.

-તો ભાર્ગવ ભટ્ટને અન્ય મહત્વની જવાબદારી આપી શકાઈ હોત...

સંઘના મજબૂત કાર્યકર ભાર્ગવ ભટ્ટની ભાજપ સાથેની યાત્રા બહુ લાંબી નથી. સંઘમાંથી ભાજપમાં આવ્યાના ગણતરીના વર્ષમાં તેઓને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. ભાજપ જેવા પક્ષ માટે આ ખુબ મોટી ઘટના છે. સામાન્ય રીતે ભાર્ગવ ભટ્ટ જેવું રાજકીય કદ ધરાવનાર વ્યક્તિ માટે કોઈ અન્ય જવાબદારી સુપ્રત થાય તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ ભાજપના જ આંતરીક સુત્રોના જણાવ્યા અનુસાર જાે ભાર્ગવ ભટ્ટને અન્ય મહત્વની જવાબદારી સુપ્રત કરવામાં આવવાની હોત તો તે માટે યોગ્ય સમયે યોગ્ય જાહેરાત સાથે તેઓને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે નહીં કે મિડીયાના માધ્યમથી આખી વાત મુકી તેઓની હકાલપટ્ટી કરવામાં આવી હોય તેવું ચિત્ર ઉપસ્થિત કરવામાં આવે.

મહામંત્રીપદ માટે મધ્ય ગુજરાતના સંભવિતોની યાદી

નામ વર્તમાન/પૂર્વ જવાબદારી વિસ્તાર

રાજેશ પાઠક ડાયરેકટર, અમુલ ખેડા

સુધીર લાલપુરવાલા દાહોદ

રામસિંહ રાઠવા પૂર્વ સાંસદ છોટાઉદેપુર

ડો. વિજય શાહ શહેર પ્રમુખ વડોદરા

ભરત ડાંગર પ્રદેશ સહ પ્રવક્તા વડોદરા

ભુપેન્દ્ર લાખાવાલા પૂર્વ મંત્રી વડોદરા

બાળુ શુક્લ મુખ્ય દંડક, ગુજરાત વડોદરા

રંજનબેન ભટ્ટ સાંસદ વડોદરા

શબ્દશરણ બ્રહ્મભટ્ટ પૂર્વ મહામંત્રી વડોદરા

ભાર્ગવ ભટ્ટ બાદ તેમના પરાક્રમી સાગરિત માથે પણ લટકતી તલવાર

પ્રદેશ ભાજપ મહામંત્રી પદેથી વડોદરા સહિત મધ્ય ગુજરાતના ૮ જીલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળનાર ભાર્ગવ ભટ્ટને અચાનક હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. જેની પાછળ અનેક સમીકરણની ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ ચર્ચામાં પ્રદેશ નેતાગીરી સમક્ષ રજુ થયેલી ઓડીયો ક્લીપ પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઓડીયો ક્લીપમાં સામેલ ભાર્ગવ ભટ્ટના પરાક્રમી સાગરીતના માથે પણ તલવાર લટકી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સંગઠનમાં મહત્વની જવાબદારી સંભાળનાર આ પરાક્રમી વ્યક્તિને પણ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે તેવી ચર્ચા ભાજપમાં ચાલી રહી છે.

અગાઉ ભરત પંડ્યા અમદાવાદથી મધ્ય ગુજરાતમાં મુકાયા હતા

અગાઉ મધ્ય ગુજરાતમાં ભાજપમાં યાદવાસ્થળી જામી હતી ત્યારે આ ઝગડાને નાથવા માટે પ્રદેશ નેતાગીરીએ મધ્ય ઝોનના પ્રભારી મહામંત્રી તરીકે અમદાવાદથી ભરત પંડ્યાની નિંમણૂક કરી હતી. આ સમયે પણ ભરત પંડ્યા સામે ભારે ફરિયાદો ઉઠતા તેઓને પણ અધવચ્ચેથી જ હોદ્દા પરથી હટાવવામાં આવ્યા હતા. તે સમયે બાકીના સમય માટે વડોદરામાંથી શબ્દશરણ બ્રહ્મભટ્ટની નિંમણૂક કરવામાં આવી હતી. ત્યારે આ વખતે પણ વડોદરા બહારથી કે મધ્ય ગુજરાત બહારથી મહામંત્રીની પસંદગી થાય તો નવાઈ નહીં.