અમદાવાદ-

વટવા GIDC પોલીસના હાથે એક એવો ચોર ઝડપાયો કે જે ગર્લફ્રેન્ડને ખુશ કરવા માટે ચોરીના રવાડે ચડ્યો હતો. ચોરેલા એક્ટિવામાં ગલફ્રેન્ડને બેસાડીને અલગ અલગ જગ્યા પર ફરવા લઇ જતો હતો. આ બાદ, તેની ગર્લફ્રેન્ડ ઘરે જતી રહે ત્યારે ચોરેલા એક્ટિવાને બિનવારસી મૂકી દેતો હતો. વટવા GIDC વિસ્તારમાં એક્ટિવાની ચોરીનું પ્રમાણ સતત વધતા પોલીસે ચોરને પકડવા માટે એડીચોટીનું જોર લાગવી દીધુ હતું. પોલીસની 2 મહિનાની મહેનત બાદ CCTV ફુટેજના આધારે પોલીસે એક્ટિવા ચોરની રંગે હાથે ઝડપી પાડ્યો હતો.

વટવા GIDC પોલીસે મુળ યુપીનો અને બાપુનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષિય અસ્લમ ઉર્ફે છોટુ અહેમદ શેખની 8 ચોરીના આરોપમાં એક્ટિવા સાથે ધરપકડ કરી હતી. અસ્લમની જેટલી ઉંમર થઇ છે તેના કરતા વધુ તો તેણે એક્ટિવાની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. અસ્લમે પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે, તે એક કારખાનામાં નોકરી કરે છે અને તે પોતાની ગલફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે એક્ટિવાની ચોરી કરે છે. ગલફ્રેન્ડ મળવા આવે ત્યારે તે એક્ટિવા ચોરી કરતો અને ત્યારબાદ તેને અલગ અલગ જગ્યા પર ફેરવીને જ્યારે તે પરત ઘરે જાય ત્યારે એક્ટિવાને બિનવારસી મુકી દેતો હતો. પોલીસ સમક્ષ તેને 15 કરતા વધુ એક્ટિવા ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. જેમાંથી, પોલીસે 8 એક્ટિવા રીકવર કર્યા છે. એક્ટિવામાં જૂની ચાવી લાગી જતી હોવાથી તે એક્ટિવા ચોરી કરતો અને પેટ્રોલ પૂરું થઈ જાય એટલે બિનવારસી મૂકી દેતો હતો. વટવા GIDC પોલીસે ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે એક્ટિવા ચોરતા યુવકને ઝડપી પાડ્યો હતો. આરોપી તેની ગર્લફ્રેન્ડને ચોરેલા એક્ટિવા પર ફરવા લઇ જાતો હતો. આ બાદ, ગર્લફ્રેન્ડને ઘરે મૂકીને એક્ટિવાને બીનવારસી મુકી દેતો હતો. આ મામલે, પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી અનેક ગુનાનો ભેદ ઉકેલાયો હતો.