અમદાવાદ-

હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના રાજ્યમાં સામાન્ય થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અવાર નવાર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાઓમાં દર્દીઓના મોત પણ થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. ત્યારે ફરી એક વખત હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના અમદાવાદમાં સામે આવી છે. સદનશીબે હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહોતી. ઘટનાને પગલે ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી મુજબ અમદાવાદના બારેજા વિસ્તારની આસ્થા હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. આગની ઘટનાને પગલે હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આગની ઘટનાને પગલે ફાયર વિભાગને માહિતી આપી હતી. તેથી ગણતરીના સમયમાં ફાયરના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. સદનશીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.