લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, જુન 2025 |
અમદાવાદ |
5148
ગત ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. આ ઘટનાના ૪૮ કલાકમાં એટલે કે ૧૪ જૂન, ૨૦૨૫ ના રોજ બપોરે ૩ વાગ્યે DNA મેચ થતા પહેલી ડેડબોડી પરિવારજનોને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ ૧૨૦૦ બેડ હોસ્પિટલના ગેટ પરથી ડેડબોડી લઇ એમ્બ્યુલન્સ બહાર નીકળી હતી. સિવિલ હોસ્પિટલ બહાર ૧૯૨ એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય રાખી અને ડ્રાઈવરોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ માટે લાવવામાં આવેલી અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગ ઉપર વિમાનની ટેલ અથડાઈ હતી. જે ટેલમાંથી આજે સવારે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ સાધનોની મદદથી પ્લેનનો કાટમાળ કાપી અને એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે જે એર હોસ્ટેસનો હોવાની શક્યતા છે.
અમદાવાદ ફાયર બ્રિગેડનો એક કર્મચારી મહા મહેનતે અંદર સુધી ગયો હતો અને તેને સાધનોથી આગળનો ભાગ કાપ્યો હતો. ત્યારબાદ દોરડા વડે તેને બાંધી અને થોડો ખેંચવામાં આવ્યો હતો જે બાદ મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. બિલ્ડીંગના ધાબા ઉપરથી મૃતદેહ કાઢવામાં આવ્યું હતું અને જેને એક કપડામાં બાંધી અને ત્યારબાદ તેને દોરડા વડે નીચે ઉતારવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છેકે, ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ બપોરે ૧:૩૮ વાગ્યે ૪૦ થી ૪૨ ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-૧૭૧ ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ ૧:૪૦ વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડમાં પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું.
આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ક્રૂ-મેમ્બર્સ, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ ૨૪૨ મુસાફરો હતા. જેમાં ૧૬૯ ભારતીય, ૫૩ બ્રિટિશ, ૭ પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના ૧૨ ક્રૂ-મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ-મેમ્બર અને પ્રવાસીઓ મળીને ૨૪૧નાં મોત થયા છે. જ્યારે ડોકટર્સની હોસ્ટેલ અને આસપાસના વિસ્તારમાં હાજર રહેલા અન્ય લોકોના પણ મોત નિપજ્યા હતા.