અમદાવાદ-

કોરોના વાયરસે અનેક મોટી હસ્તીઓને પોતાનો શિકાર બનાવ્યા છે. ત્યારે વધુ એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. અમદાવાદનાં શિવાનંદ આશ્રમનાં પ્રમુખ અને ટ્રસ્ટી સ્વામી આધ્યાત્મનંદજીનું આજરોજ નિધન થયું છે. છેલ્લા ઘણાં દિવસથી તેઓ શહેરની એસ.વી.પી. હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યાં હતાં. આજે શનિવારે બપોરે 12 કલાકે તેમનું નિધન થયું છે.

સ્વામી આધ્યાત્મનંદના નિધનના સમાચાર સાંભળીના તેમના અનુયાઈઓ શોકમાં ગરકાવ થયા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં સતત ત્રીજા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી છે. રાજ્યમાં 12 હજાર 64 નવા કેસ નોંધાયા છે જ્યારે સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા 13 હજાર 85 રહી છે. આમ, સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા નવા કેસ કરતા વધારે છે.તો કોરોનાથી 119 દર્દીઓના મૃત્યુ થયા છે.

રાજ્યમાં રિક્વરી રેટ 76.52 ટકાએ પહોંચ્યો છે તથા રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 58 હજાર 36ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8 હજાર 154 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 5 લાખ 3 હજાર 497 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 46 હજાર 385 એક્ટિવ કેસ છે, જેમાંથી 775 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 45 હજાર 610 દર્દીની હાલત સ્થિર છે.