લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ડિસેમ્બર 2020 |
2178
અમદાવાદ-
શહેરમાં પોલીસ દ્વારા ચુસ્તપણે રાત્રી કરફ્યૂનું પાલન થઇ રહ્યું હોવાનો દાવો કરવામા આવે છે. ત્યારે આ રાત્રી કરફ્યૂ દરમિયાન જ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તેમજ સામાન્ય જનજીવનને નુકસાન કરી રહ્યા હોય તેવા કેટલાંક કિસ્સા સામે આવ્યા છે. શહેરના રામોલના રામરાજ્ય નગરમાં રહેતા નરેશ બડગુજરે રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોધાવી છે કે, 8 ડિસેમ્બરની મોડી રાત્રે તેઓની ચાલીમાં બાઈક ઉપર આઠેક જેટલા શખ્સો આવ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. ઘરની બહાર બૂમાબૂમ અને અવાજ સાંભળીને ફરિયાદીએ ઘરની બહાર આવીને જોયું તો આ સામાજિક તત્વો વાહનોમાં તોડફોડ કરી રહ્યા હતા. જેથી તેમને તેઓને ટોક્યા પણ હતા. જયારે આ સામાજિક તત્વો વાહનોમાં તોડોફોડ કરી રહ્યા હતા, તે દરમિયાન ફરિયાદીએ તેમને આ અંગે ઠપકો આપ્યો અને આવું ના કરવા કહ્યું હતું. ત્યારે તે પૈકીના એક શખ્સે ફરિયાદીને ધમકી આપી કે, તારે જીવતું રહેવું હોય તો ઘરમાં જતો રહે, નહીં તો અહીંયા જ ખેલ ખતમ કરી દઈશ. આ બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જેથી તમામ શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. હાલ રામોલ પોલીસે સમગ્ર મામલે 8 શખ્સો વિરુદ્ધ ગુનો નોધીને તપાસ હાથ ધરી છે. પરંતુ અગાઉ પણ આ પ્રકારે ઇસનપુરમાં વાહનોમાં આગ ચાપી આતંક મચાવ્યો હતો. રાત્રી કરફ્યૂ દરમિયાન અસામાજિક તત્વો બેફામ બનતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.